Mysamachar.in-અમદાવાદ:
ડોકટરના દવાખાના કે હોસ્પિટલનું પગથિયું ખર્ચાળ હોય છે. મોટાભાગના તબીબો દર્દીઓ તથા તેઓના પરિવારજનોને મીઠી અને સારી ભાષામાં ડરાવતાં હોય છે અને વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ અનિવાર્ય છે, એવું તેઓના મગજમાં ઠસાવી દે છે (જો કે કેટલાંક કેસમાં સાચાં નિદાન માટે ટેસ્ટ અનિવાર્ય હોય પણ છે) અને પછી શરૂ થાય છે ગેમ. લેબોરેટરીઓ આ ધંધામાં મોટી રોકડી કરતી હોય છે, આ ધંધો કસદાર હોવાથી કોર્પોરેટ કંપનીઓ પણ આમાં ઝૂકાવી ચૂકી છે.
હાલના સમયમાં એક નવો પવન ચાલ્યો છે, ડોકટરો એલર્જીપુરાણ વાંચે છે અને દર્દીઓને નર્કની વેદનાઓ અંગે માહિતગાર કરે છે, જાત-જાતના એલર્જી ટેસ્ટની ભલામણો થાય છે અને લેબોરેટરીઓ રાતદિવસ આ ટેસ્ટ કરે છે, ત્યાં પણ વેઈટીંગ હોય છે. અને અમુક લેબોરેટરીઓના સંચાલકો દર્દીઓના પરિવારજનોને એમ પણ કહે છે કે, આ સેમ્પલ અમદાવાદ અથવા મુંબઈ મોકલવામાં આવશે, ચાર પાંચ દિવસ બાદ રિપોર્ટ આવશે. દર્દીઓને એવું ફીલ થાય કે તેમને રાજરોગ થયો છે! અમુક દર્દીઓ નાણાં ખર્ચ કરવામાં ગૌરવ પણ અનુભવતાં હોય છે જયારે અસમર્થ દર્દીઓ નાણાં ઉછીના લઈને પણ ટેસ્ટ કરાવતાં હોય છે.
બધાં જ પ્રકારના એલર્જી ટેસ્ટ જરૂરી નથી હોતાં. ઘણી વખત દર્દીઓની એલર્જી સંબંધિત માન્યતા ખોટી પણ હોય છે, ઘણાં કેસમાં નિદાન પણ શંકાસ્પદ હોય છે, ઘણાં કેસમાં એલર્જી ટેસ્ટ રિપોર્ટ નોર્મલ આવતાં હોય છે, ઘણાં કેસમાં સામાન્ય એલર્જીનો રિપોર્ટ આવતો હોય છે. ઘણાં રિપોર્ટ એટલાં ભયંકર હોય છે, જેટલી એલર્જી ભયજનક નથી હોતી. એકંદરે ગેમ ચાલતી રહે છે. લેબોરેટરીઓ મોટી રોકડી કરતી રહે છે, લેબોરેટરીઓ પૈકી ઘણી લેબોરેટરીઓ ડોકટરો સાથે ગાઢ રીતે સંકળાયેલી પણ હોય છે, જે હવે ઓપન સિક્રેટ બની ગયું છે.
તાજેતરમાં અમદાવાદમાં સદવિચાર પરિવાર આયોજિત વ્યાખ્યાન શ્રેણીમાં 83મું વ્યાખ્યાન યોજાયું. જેમાં તજજ્ઞ તબીબોએ કહ્યું: ઘણાં પ્રકારની એલર્જીઓ નિયમિત ખોરાક, શારીરિક વ્યાયામ, યોગા અને ધ્યાન જેવા ઉપાયોથી નાબૂદ કરી શકાય છે. અમુક એલર્જીઓમાં વેકસીન પણ અસરકારક પરિણામો આપે છે. એલર્જીઓથી બચી પણ શકાય છે.
એલર્જી અને પ્રદૂષણ વિષયના તજજ્ઞ ડો. રાજ ભગતે આ વ્યાખ્યાનમાં સમજ આપી કે, કેટલાંક કેસમાં ખોટાં અને બિનજરૂરી ટેસ્ટને કારણે લેબોરેટરીઓ પુષ્કળ કમાણી કરે છે. વધુમાં તેઓએ કહ્યું: હાલના સમયમાં એલર્જીના 30 ટકા કેસ વારસાગત હોય છે. તેઓએ એમ પણ કહ્યું કે, તમામ એલર્જીઓનું સો ટકા નિદાન શકય પણ નથી. પ્રદૂષણ ખૂબ વધી ગયું છે, એલર્જીઓથી બચવું લગભગ અશક્ય બની ગયું છે.
અગરબતી, રસોઈનો ધૂમાડો, વાડીખેતરોમાં અનાજમાંથી નીકળતી પરાગરજ જેવા વિવિધ કારણો ઉપરાંત ઘરમાં પાળવામાં આવતાં કૂતરાંઓ અને બિલાડીઓ પણ એલર્જીઓ આપી શકે છે. કબૂતરની અર્ગ અથવા ગાય કે ભેંસ સાથેનો સહવાસ પણ એલર્જીઓ આપી શકે. દીવાળીના સફાઈકામોથી પણ એલર્જીઓ થઈ શકે. ઋતુઓ પણ ભાગ ભજવે.
ઘઉં અથવા દૂધથી કયારેય એલર્જીઓ થતી નથી. બધી એલર્જીઓના કારણો શોધી પણ ન શકાય. ધૂળની એલર્જી કોમન છે. ઘણાં કેસમાં દર્દીઓ તો ઠીક ડોકટરોને પણ એલર્જીઓ બાબતે ખાસ જાણકારીઓ હોતી નથી. શહેરોમાં એલર્જીઓ માટેની લેબોરેટરીઓ પુષ્કળ શરૂ થઈ રહી છે, સાવધ રહેવું. એલર્જીઓ સ્કીન ટેસ્ટ અથવા બ્લડટેસ્ટથી જ જાણી શકાય.
પ્રદૂષણ અને ધૂમ્રપાન તથા તંબાકુ જેવા કારણો મગજ અને હ્રદય પર અસરો કરતાં હોય છે તેને કારણે પણ અમુક એલર્જીઓ થઈ શકે. ખાનપાન નિયમિત રાખવા જોઈએ. ચાલવા કે સાયકલીંગ જેવો વ્યાયામ પણ ઉપયોગી નીવડે. વાસી ખોરાક કયારેય ન ખાવો, મોડી રાતે ભોજન ન લેવું. એલર્જીઓના કેસમાં જરૂર પડ્યે એક વખત વેકસીન લઈ લેવાથી પણ કાયમી માટે બચી શકાય, એમ ડો. રાજ ભગતે પ્રવચનનાં અંતમાં જણાવ્યું.