Mysamachar.in-સુરત:
દિવાળીનો તહેવાર હવે નજીક છે, ત્યારે નાના બાળકોમાં ફટાકડા ફોડવાનો એક જબરો ક્રેઝ હોય છે, પરંતુ ફટાકડા ફોડતી વખતે જો સાવધાની ના રાખવામાં આવે તો ગંભીર ઈજાઓ થઇ શકે છે તો ક્યારેક જીવ પણ જઈ શકે છે, માટે જ ફટાકડા ફોડતા સમયે સાવચેતી રાખવી અતિ આવશ્યક છે, ખાસ તો નાના બાળકોએ માતાપિતાની હાજરીમાં જ ફટાકડા ફોડવા જોઈએ તેવી સલાહ હંમેશા આપવામા આવે છે. સુરતમાં એવી ઘટના સામે આવી છે, જેમાં બાળકો ફટાકડા ફોડવા બેસ્યા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આ સમગ્ર ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો છે જે હચમચાવી દે તેવો છે, સુરતની યોગીચોક તુલસી દર્શન સોસાયટીમાં આ ઘટના બની જ્યાં સોસાયટીના કેટલાક બાળકો ગટર પાસે ફટાકડા ફોડવા બેસ્યા હતા. ત્યારે અચાનક ફટાકડાને સળગાવતા ગટરમાંથી બ્લાસ્ટ થયો હતો. જેથી તમામ બાળકો ત્યાંથી હટી ગયા હતા. જો બાળકો સમયસર ગટર પાસેથી ખસ્યા ન હોત તો તેમની સાથે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, બાળકો મોઢાના ભાગે દાજી ગયાનું સામે આવી રહ્યું છે.