Mysamachar.in-સુરત
સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ચડ્ડી-બનિયાનધારી ગેંગના 10 સાગરીતોને ઝડપી પાડયા છે. આ ગેંગ દ્વારા સુરત તેમજ આસપાસના તમામ શહેરોમાં દિવસ દરમિયાન ફુગા વેચવાના બહાને ફરતા હતા અને ત્યારબાદ રિક્ષામાં બેસી સમગ્ર વિસ્તાર તથા વી.આઈ.પી ઘરોની રેકી કરી રાત્રી દરમિયાન VIP ઘરોને નિશાન બનાવતા હતા. જ્યારે લૂંટ અથવા ધાડ પાડવા જાય ત્યારે ઘરની અંદર ત્રણ લોકો પ્રવેશતા હતા અને સાત લોકો ઘરની બહાર રેકી કરતા હતા. લૂંટ કરતાં પહેલાં તેઓ ઘરની અંદર રાખેલું જમવાનું જમતા હતા અને બાદમાં ગુનાને અંજામ આપતા હતા.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચએ વોચ ગોઠવી આ ગેંગને ઝડપી પાડી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી પારધી ગેંગના હોવાનું બહાર આવ્યુ હતું. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વાત બહાર આવી હતી જેમાં આ ગેંગમાં મહિલાઓ પણ સામેલ હતી. તેઓ બપોરના ચાર વાગ્યાના અરસામાં વિવિધ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બહાને ફરતી હતી. ત્યારબાદ આ ગેંગના લોકો રિક્ષામાં બેસીને જે તે વિસ્તારની રેકી કરતા હતા. જરૂરી માહિતી રીક્ષા ચાલક પાસેથી મેળવી લેતા હતા અને બાદમાં રાત્રીના બે વાગ્યાના અરસામાં આ ગેંગપોતાના કપડાં બદલી ચડ્ડી-બનિયાનધારી વેશ ધારણ કરી લેતા હતા.
જે VIP ઘરને નિશાન બનાવતા હતા ત્યાં આગળ પહોંચી જતી હતી. જેમાં રાજકુમાર, દેવા પારગી તથા ગજરાજ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશતા બાકી ની ગેંગ બહાર રેકી કરતી હતી. જો રાત્રી દરમિયાન કૂતરા ભસે તો તેને ગિલોલથી ભગાડી દેતા હતા. ઘરમાં સૌ પ્રથમ તેઓ જમવાનું હોઈ તો જમી લેતા હતા અને બાદમાં લૂંટ અઠવા ધાડના ગુનાને અંજામ આપતા હતા. પોલીસે તેમની પાસેથી કિંમતી ઘડિયાળ, રોકડ, ગિલોલ, સોના ચાંદીના દાગીના મળી રૂ 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગેંગ દ્વારા સુરત સિવાય રાજ્યના અલગ અલગ શહેરો અમદાવાદ, આણંદ, બિહાર, મુંબઈ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પજાબ, વલસાડમાં 15 ગુનાઓને અંજામ આપી ચુક્યા છે.રિમાન્ડ દરમિયાના આરોપીઓની આગવીઢબે પૂછપરછમાં વધુ કેટલાક ગુન્હાઓનો સિલસિલો બેનકાબ થાય તેવી પોલીસ શક્યતાઓ સેવી રહી છે.