Mysamachar.in:રાજકોટ
ગુજરાતમાં દારૂના દુષણની સાથે સાથે ડ્રગ્ઝનું દુષણ પણ પગ કરી ગયું છે, ખાસ કરીને યુવાઓમાં ડ્રગ્ઝની લત લાગી ગઈ હોવાના કેટલાય કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાંથી તો યુવતીને પોલીસે એમ.ડી.ડ્રગ્ઝના જથ્થા સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે, પોલીસે રેસકોર્સમાંથી નામચીન પેડલર અમી ચોલેરાને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી હતી, પેડલર યુવતીએ નામચીન જલ્લાલુદીન પાસેથી જથ્થો મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે તે નામચીન ઇસમની શોધખોળ શરૂ કરી હતી. અમી ચોલેરા નામની યુવતી ડ્રગ્સના જથ્થા સાથે રેસકોર્સમાંથી પસાર થવાની છે તેવી માહિતી મળતાં એસઓજી સ્ટાફે રેસકોર્સમાં નજીક વોચ ગોઠવી હતી, કુખ્યાત પેડલર અમી ચોલેરા એક્ટિવામાં પસાર થતાં જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા અમીના પેન્ટના ખિસ્સામાંથી એક અને સ્કૂટરની ડેકીમાંથી બીજી પડીકી મળી આવી હતી, પડીકીમાં રહેલો પદાર્થ ડ્રગ્સ હોવાની દૃઢ શંકા હોય પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી હતી.
અને એફએસએલની ટીમે જપ્ત થયેલો પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું, પોલીસે અમી ચોલેરા પાસેથી રૂ.1,23,600ની કિંમતનું 12.36 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઇલ અને સ્કુટર સહિત કુલ રૂ.1,78,700નો મુદ્દામાલ જપ્ત કરી અમીની ધરપકડ કરી હતી. પોલીસની આગવીઢબની પૂછપરછમાં અમીએ કબૂલાત આપી હતી કે, તે ડ્રગ્સનો જથ્થો જલ્લાલુદીન પાસેથી લાવી હતી, આજે અમીને રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ રિમાન્ડ દરમિયાન તેની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે. તેમજ રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં કોને કોને ડ્રગ સપ્લાય કરતી હતી તે સહિતની બાબતો અંગે તેની પૂછપરછ કરવામાં આવશે.