Mysamachar.in-કચ્છ
ગુજરાતમાં દરિયાઈ માર્ગે માદક દ્રવ્યોનો જથ્થો વારંવાર ઘુસી રહ્યો છે, અને તે નશો કરનાર લોકો સુધી પહોચે તે પૂર્વે જ મળતી ચોક્કસ માહિતીઓને આધારે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝડપી પાડવામાં આવતો હોય છે, આવો જ વધુ એક 200 કરોડનો હેરોઈનનો જથ્થો દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘૂસે તે પૂર્વે જ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે.ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સયુંકત ઓપરેશન દરમિયાન દેશમાં નશીલા પદાર્થ ઘૂસાડવાના ષડ્યંત્રને નિષ્ફળ બનાવાયુ હતું. ઝડપાયેલી બોટ અને તેમાં સવાર 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે,
આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ ગુજરાત ATS ને મળેલા ઇનપુટના આધારે ગત મોડી રાત્રે કચ્છ સામેના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જળ સિમાં પર કોસ્ટગાર્ડની સાથે સુરક્ષા એજન્સી દ્વારા સયુંકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સામે પારથી દેશની જળ સિમાં અંદર ઘુસી આવેલી પાકિસ્તાની બોટને તાકીદ કરી અટકાવવામાં આવી હતી અને બોટને લઈ તપાસ કરતા તેમાંથી 40 કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઝડપેલાં ડ્રગ્ઝના જથ્થાની કિંમત રૂ. 200 કરોડ હોવાનું સામે આવ્યું છે.