Mysamachar.in-ગુજરાત:
આગામી વર્ષોમાં જામનગર-ગુજરાત સહિત દેશભરમાં મતક્ષેત્રોનું નવું સીમાંકન થશે. લોકસભા અને વિધાનસભા મતવિસ્તારમાં આ નવું સીમાંકન હાથ ધરવામાં આવશે. જેને પરિણામે જે-તે મતવિસ્તારમાં જ્ઞાતિ ફેક્ટરમાં પરિવર્તન આવી શકે છે. કોરોનાકાળને કારણે 2021 માં નિર્ધારિત વસતિ ગણતરી થઈ શકી ન હતી. અત્યારે બધાં જ આયોજનો 2011 ની વસતિ ગણતરી પર અડસટે ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણી બાદ 2025 થી તમામ મતવિસ્તારમાં નવું સીમાંકન હાથ ધરી શકે છે. કેમ કે, શહેરીકરણ અગાઉ 37 ટકા હતું તે વધીને 45 ટકા સુધી પહોંચી ગયું છે.
આ ઉપરાંત હજારો ગ્રામ્ય વિસ્તારો એવાં છે જેઓનો શહેરી વિસ્તારોમાં સમાવેશ થયો છે. આ સાથે જ પાછલાં અગિયાર વર્ષ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં વસતિમાં પણ પુષ્કળ વધારો થયો છે. પ્રત્યેક મતવિસ્તારમાં મતદારોની સંખ્યા મોટી થવા પામી છે. આથી મતવિસ્તારમાં મતદારોની સંખ્યા ચોક્કસ પ્રમાણમાં ( દોઢ- પોણા બે લાખ આસપાસ) રાખવા માટે દેશભરમાં તમામ મતવિસ્તારોમાં નવું સીમાંકન હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિચારણા પ્રમાણે સીમાંકન થશે ત્યારે, ગુજરાતમાં હાલ વિધાનસભાની બેઠકો 182 છે તે વધીને અંદાજે 215/216 જેટલી થઈ શકે છે. એ જ રીતે લોકસભા બેઠક પણ 26 છે તે વધીને 30/31 થાય તેવી શક્યતા છે. જેને કારણે જેતે મતવિસ્તારમાં જ્ઞાતિ ફેક્ટરમાં પરિવર્તન આવશે, એ અર્થમાં જ્ઞાતિ સમીકરણો આધારિત આ વિધાનસભા તથા 2024 ની લોકસભા ચૂંટણી પછીની ચૂંટણીઓમાં જ્ઞાતિ સમીકરણો બદલાઇ શકે છે. ટૂંકમાં, આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ જ્ઞાતિ સમીકરણો આધારિત અંતિમ ચૂંટણીઓ હોય, એવું પણ બની શકે છે. અથવા, નવાં જ્ઞાતિ સમીકરણો ઉદભવી શકે છે. સીમાંકન કયારે અને કેવી રીતે થશે ?! તે જોવું આગામી સમયમાં રસપ્રદ બની રહેશે.