Mysamachar.in:રાજકોટ
હાલનાં જમાનામાં નાણું જાણે કે સર્વસ્વ બની ગયું છે. ટૂંકા માર્ગે, રાતોરાત રુપિયા કમાઈ લેવાં લોકો જાતજાતનાં ગતકડાં અને અખતરા તથા ગુનાઓ પણ કરતાં હોય છે ! અગાઉ ગુનેગારો જ ગુનાઓ કરતાં, હવે તો સમાજમાં સારાં દેખાતાં લોકો પણ ગુનાઓ કરી રહ્યા છે. બીજી તરફ નેટ પર સેક્સ સામગ્રીઓનો રાતદિવસ વિસ્ફોટ થઈ રહ્યો છે તેથી સેક્સ સંબંધિત ગુનાઓની પણ ભરમાર વધી છે. લોકો નવા નવા પ્રકારનાં રસ્તાઓ અખત્યાર કરી, સ્પીડમની પાછળ દોડી રહ્યા છે.
રાજકોટમાં આવો એક ગુનો સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયો છે. કહેવાય છે કે, આ ગુનો ભદ્ર સમાજમાં બન્યો છે. એક પરણીતાએ પોલીસમાં એવું જાહેર કર્યું છે કે, તેણીનાં ન્યૂડ વીડિયો બન્યા છે. નેટ પર અપલોડ પણ થયાં છે. તેણી સાથે જબરદસ્તી થઈ છે. તેણીનાં સાસરિયાઓએ જ આ બળજબરી કરી છે ! આ બળજબરી નાણાં માટે થઈ છે. તેણીનાં પતિ તથા સાસુ અને સસરાએ આ કાંડ કર્યો છે.
આ પરણીતા બે વર્ષ પહેલાં જ આ શખ્સ સાથે સંપર્કમાં આવી હતી. એક વર્ષ પહેલાં તેઓ બંનેએ લગ્ન કર્યા. છેલ્લાં કેટલાંક સમય પહેલાં તેણી સાથે આ બનાવ બન્યો. તેણીનો પતિ તથા સસરો આ પરણીતાનાં ન્યૂડ વીડિયો બનાવી અપલોડ કરતાં અને આ વીડિયોનાં બદલામાં ટોકન, કોઇન તથા ભારતીય ચલણ મેળવતાં હતાં. આ ઉપરાંત આ પરણીતાને હોટેલમાં લઈ જઈ વિદેશી યુવતીઓ પાસે પણ આ કામ કરાવવાનું છે અને આ રીતે નાણાં કમાવાના છે એવું દબાણ કરતાં હતાં એવું આ પરણીતાએ પોલીસમાં જણાવ્યું છે.
આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ રીતે વેબ કેમેરા દ્વારા અત્યાર સુધીમાં આ પરણીતા પાસે આ પ્રકારની પ્રણયક્રિડા 10 વખત લાઇવ કરાવવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમ ACP વિશાલ રબારી કહે છે : પોર્ન વીડિયો આ રીતે બનાવી અપલોડ કરવામાં આવતાં હતાં એવો આ મહિલાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસે આ કેસમાં CCTV, સેક્સ ટોયઝ તથા ખાસ પ્રકારનાં વસ્ત્રો કબજે લીધાં છે અને આરોપી પિતાપુત્રની ધરપકડ કરી છે. આ કેસમાં લાઈવ સેકસ ચેટનો પણ ઉલ્લેખ થયો છે. પોલીસે IPC તથા IT એકટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.