Mysamachar.in-અમદાવાદ:
સામાન્ય રીતે લાંચ રૂશવતના કેસોમાં સંબંધિત સરકારી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની કચેરીના કોઈ અધિકારી કે કર્મચારી વિરુદ્ધ લાંચના કેસોમાં જે ફરિયાદ થતી હોય છે, તે ફરિયાદી પ્રત્યે સંબંધિત કચેરી પૂર્વગ્રહ રાખતી હોય છે અને આ પ્રકારના ફરિયાદીને જ્યારે જ્યારે તે કચેરીમાં અથવા તે કચેરી સંબંધિત અન્ય કચેરીમાં જ્યારે પણ કોઇ કામ માટે જવાનું થતું હોય છે ત્યારે આ પ્રકારના ફરિયાદીઓએ પોતાના કામો નિપટાવવામાં પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. હવે આ મુદ્દા પર ખુદ ACB વોચ રાખશે.
ACBના નિયામક સમશેરસિંઘે તાજેતરમાં આ પ્રકારના 354 ફરિયાદીને રૂબરૂ સાંભળવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. જેમાં ફરિયાદીઓએ પેટછૂટી વાત કરી. આ કાર્યક્રમમાં થયેલી રજૂઆતો પરથી જણાયું કે, કેટલાંક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રકારના ફરિયાદીઓને કનડગત કરતાં હોય છે.
આ પ્રકારના ફરિયાદીઓને સરકારી તંત્રો તરફથી કેવા પ્રકારની કનડગત કરવામાં આવી રહી છે તેની માહિતી એકઠી કરવામાં આવી છે. ACBએ તમામ ફરિયાદીઓનું એક રજિસ્ટર બનાવવાનો નિર્ણય લીધો છે. અને ફરિયાદીઓના ઘરે જઈ, ફરિયાદીઓને સરકારી તંત્ર દ્વારા કોઈ પરેશાની છે કે કેમ ? તેની વિગતો મેળવવામાં આવી રહી છે. આ માટે ACB એ CARE નામનો પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે. જે પ્રોગ્રામ અંતર્ગત હવેથી, ફરિયાદીને પરેશાન કરનાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ હાથ ધરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.