ગુજરાતમાં નકલીની બોલબાલા છે એ હવે જાણીતી હકીકત બની ગઈ છે પરંતુ આ વિષયમાં સૌથી ગંભીર અને ચિંતાપ્રેરક બાબત એ છે કે, માણસના આરોગ્ય અને જિંદગીઓ સાથે પણ ખિલવાડ ચાલુ રહે એટલી હદે બોગસ તબીબનું દૂષણ જામનગર સહિત હાલાર અને સમગ્ર રાજ્યમાં વ્યાપક છે- પરંતુ શાસન આ બાબતે ગંભીર કે ચિંતિત હોય એવું કયાંય દેખાતું નથી !
જામનગરના દરેડથી માંડીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર સુધી અને ધ્રોલ, જોડીયા તથા કાલાવડ અને જામજોધપુર પંથક સુધી બધે જ બોગસ તબીબો કાયદાના ડર વગર પ્રેક્ટિસ કરી રહ્યા છે કારણ કે, કાયદો લગભગ અશક્ત કહી શકાય એવી સ્થિતિઓ છે. દાયકાઓ અગાઉ ઘડાયેલા આ કાયદાની જોગવાઈઓમાં શાસન સુધારાઓ ક્યારે કરશે, એ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે.
જામનગર સહિત હાલારમાં તબીબી ક્ષેત્રમાં ઘોડા ડોક્ટરોની સંખ્યા અને કમાણી ગેરકાયદેસર હોવા છતાં મોટી છે- આ બાબતે સરકારી આરોગ્ય સત્તાવાળાઓને જાણે કે કશી ચિંતાઓ જ નથી. થોડાથોડા સમયના અંતરે પોલીસ આવા ઘોડા ડોક્ટરોને પકડે છે પણ આમ જૂઓ તો આ કામગીરીઓની કોઈ અસરકારકતા હોતી નથી. દરોડા વખતે મુદ્દામાલ બેપાંચ હજાર રૂપરડીનો કબજે લેવામાં આવે અને સામાન્ય અદાલતી કાર્યવાહીઓ બાદ આ તત્ત્વો છૂટી જાય છે અને ફરી પોતાના જ વિસ્તારમાં કે અન્ય વિસ્તારમાં ગેરકાયદેસર ક્લિનિક શરૂ કરી લ્યે છે. અમુક શખ્સો તો આ ધંધામાં બબ્બે ત્રણ ત્રણ વખત પકડાઈ અને પછી છૂટી જતાં રહે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દરેડથી માંડીને દ્વારકા સુધીમાં ઘણી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ થઈ રહી છે, માછીમારી ઉદ્યોગ પણ મોટાં પ્રમાણમાં ધમધમી રહ્યો છે, સમગ્ર હાલારમાં લાખો કામદારો અને માછીમારો છે. આ લાખો લોકોને પોતાના કામના સ્થળો આસપાસ સરકારી આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ નથી. આથી જરૂરિયાત શોધની માતા છે એ સૂત્ર અનુસાર આવી વિશાળ, ગરીબ, પછાત વસતિ ધરાવતી વસાહતોમાં ચાપાનના ગલ્લા માફક બોગસ દવાખાના ધમધમે છે.
હકીકત એ છે કે, આ પ્રકારના બોગસ તબીબોને આકરી સજા અને દંડ થવા જોઈએ પરંતુ મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ-1963 પ્રમાણમાં ઢીલો છે. આરોપીને 7 વર્ષની મહત્તમ સજા થઈ શકે અને તેથી આ પ્રકારના કેસમાં ઝડપથી મુક્ત થઈ જવું-સાવ આસાન છે. તેથી આવા તત્ત્વો પર કોઈ ધાક નથી. હાલમાં જ હાલારમાં ઉપરાઉપરી 10 બોગસ તબીબો ઝડપાઈ ગયા- પણ તેથી શું ?! આ પ્રકારની ઢીલીપોચી રસમો છોડી સરકારે આ બાબતે આક્રમક બનવું જોઈએ કેમ કે આ મામલો લાખો લોકોના આરોગ્ય અને જિંદગીઓ સાથે સંકળાયેલો છે અને સાથેસાથે આવી વસાહતોમાં અસરકારક આરોગ્ય સેવાઓ તાકીદે પહોંચાડવા મોબાઇલ દવાખાના પણ શરૂ કરવા તૈયારીઓ આદરવી જોઈએ.