Mysamachar.in-અમદાવાદ:
લાંચ રૂશવત વિરોધી શાખા ઘણાં કેસમાં આરોપીઓ તથા વચેટિયાઓ પાસેથી અમુક રકમો જપ્ત કરી લેતી હોય છે અને આ રકમોની સત્તાવાર જાહેરાત થતી હોય છે, આ રકમનો આરોપી અથવા અન્ય કોઈ વ્યક્તિ ઉપયોગ કરી શકે કે કેમ ? એ મામલે આ ચુકાદો જાણવા લાયક છે. આ મામલામાં ગુજરાત હાઇકોર્ટે જે ચુકાદો આપ્યો હતો, તે ચુકાદા પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપી દેતાં મામલો ચર્ચાઓમાં આવ્યો છે.
આ મામલો હિંમતનગરનો છે. અહીંના રેવન્યુ વિભાગનો ક્લાર્ક ધર્મેન્દ્ર દેસાઈ રૂ. 50,000 ની લાંચમાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. 2022ના આ મામલામાં બાદમાં ધર્મેન્દ્રની કારમાંથી ACB એ રૂ. 11લાખની રકમ કબજે લીધી હતી. બાદમાં આરોપી તથા અન્ય એક વ્યક્તિએ આ અગિયાર લાખની રકમ મુક્ત કરાવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરેલી.
આ અરજી સેશન્સ કોર્ટ દ્વારા જેતે સમયે ફગાવી દેવામાં આવી હતી. પછી, 2023ના અંતમાં આ બંને શખ્સો આ અરજીનો મુદ્દો રાજ્યની વડી અદાલતમાં ઘસડી ગયા. વડી અદાલતે ચુકાદો આપ્યો કે, આરોપી તથા અન્ય અરજદાર આ કેસમાં કબજે લેવામાં આવેલી રૂ. અગિયાર લાખની રકમનો પોતાના અન્ય કામમાં ઉપયોગ કરી શકે છે.
વડી અદાલતે આ ચુકાદો આપ્યા બાદ ACBએ અદાલતના આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર આપ્યો. સુપ્રિમ કોર્ટે વડી અદાલતના આ ચુકાદા પર હાલ મનાઈહુકમ આપી દીધો. અત્રે નોંધનીય છે કે, કેટલાંક કેસમાં ACBની હાલની કામગીરીઓ અને કાર્યવાહીઓ નોંધપાત્ર બની રહી છે અને ખાસ કરીને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાંચના કેસમાં ઝડપી લેવાના છટકા ગોઠવવા, ACB દ્વારા પોતાના જરૂરી સંપર્ક નંબરોની સારી એવી જાહેરાત પણ કરવામાં આવી રહી છે જેથી નાગરિકો ACBનો સંપર્ક આસાનીથી કરી શકે છે. ગાંધીનગર કક્ષાએ આ સક્રિયતા વધુ દેખાઈ રહી છે.