Mysamachar.in-જામનગર:
ગુજરાત સરકાર પોતાના વિવિધ વિભાગોમાં ‘કાયમી’ કર્મચારીઓની ભરતીઓ કાં તો ટાળતી રહે છે અને કાં તો જુદાજુદા બહાના હેઠળ કાયમી કર્મચારીઓની સંખ્યા ઘટાડતી રહી છે અને કોન્ટ્રાક્ટર લોબી પર કૂણી લાગણીઓ વરસાવી રાજ્યના સંચાલનમાં વધુ ને વધુ આઉટસોર્સ કર્મચારીઓની નિમણુંકોને ઉતેજન આપી રહી છે. આ ‘સડો’ હવે શિક્ષણ વિભાગ સુધી પહોંચી ચૂક્યો છે, જે સારી નિશાની નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના આરોગ્ય તથા રેવન્યુ અને પંચાયત સહિતના વિવિધ સરકારી વિભાગોમાં આઉટસોર્સના લાખો કર્મચારીઓને ‘ગોઠવી’ દેવામાં આવ્યા છે. આ કર્મચારીઓની લાયકાતો શંકાના દાયરામાં હોય છે. અનુભવોને ધ્યાન પર લેવામાં આવે છે કે કેમ, એ પણ સવાલ છે. આ પ્રકારના કર્મચારીઓની કાયદાકીય દ્રષ્ટિએ કોઈ જવાબદારીઓ ફીક્સ હોતી નથી. સંબંધિત સરકારી વિભાગો કે કોર્પોરેશન અને જિલ્લા પંચાયતોના અધિકારીઓ આ હંગામી કર્મચારીઓ પર યોગ્ય સુપરવિઝન કરતાં નથી અને આ પ્રકારના આઉટસોર્સ કર્મચારીઓની નોકરીઓ કાયમી ન હોવાને કારણે તેઓને કોઈ ડર કે જવાબદારીઓ ન હોય તથા પગારો ટૂંકા હોય તેથી આવા કર્મચારીઓ અનેક પ્રકારની ગેરકાનૂની આર્થિક ગુનાખોરીમાં લિપ્ત રહેતાં હોય છે અને આવા કર્મચારીઓને જુદાજુદા કારણોસર લોકો સાથે સંબંધિત કામોમાં ખાસ કોઈ રસ હોતો નથી. આ બધી બાબતોનો સરવાળો એ રહે છે કે, બધાં જ સરકારી વિભાગોમાં કામોની ગુણવત્તા સતત ઘટી રહી છે અને કુંડાળાઓ તથા કામચોરી વધી રહી છે ! બીજી તરફ નિયમોની છટકબારીઓનો ગેરલાભ ઉઠાવી મેનપાવર એજન્સીઓ કરોડોની કમાણી કરી રહી છે ! કારણ કે, આઉટસોર્સ એજન્સીઓ પર સરકારની કૃપા છે.
હવે આ ‘સડો’ જામનગર સહિત સમગ્ર રાજ્યના શિક્ષણ વિભાગમાં પણ પ્રવેશી ચૂક્યો છે. સરકારે તમામ જિલ્લાઓના શિક્ષણ વિભાગને કહ્યું છે કે, તમારાં જિલ્લાઓમાં જે શાળાઓ પગારકેન્દ્ર એટલે કે પે સેન્ટર તરીકે કામ કરી રહી હોય, એ શાળાઓમાં આઉટસોર્સ એજન્સી મારફતે શાળા સહાયકોની ભરતીઓ તમારે કરવાની રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પે સેન્ટર શાળાઓમાં નાણાંકીય બાબતો મુખ્ય બાબત હોય છે, આથી આવા સેન્ટરમાં આઉટસોર્સ કર્મચારીઓ આર્થિક કુંડાળાઓ ચીતરે એવી શકયતાઓ વધુ રહેશે !
-જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે…
આજે સવારે Mysamachar.in દ્વારા આ બાબતે જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે વાતચીતમાં જણાવ્યું કે, પે સેન્ટર શાળાઓમાં આઉટસોર્સ એજન્સી હસ્તક શાળાસહાયકોની નિમણુંકો કરવાની સરકારની સૂચના છે. આ માટે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે સંકલનમાં રહી, સરકારના નિયમો અનુસાર આ કામ માટે આઉટસોર્સ એજન્સી નક્કી કરવામાં આવશે. આ એજન્સી શાળા સહાયકો પૂરાં પાડશે. જામનગર શહેર જિલ્લામાં કુલ 90 પે સેન્ટર શાળાઓ છે, જ્યાં આ શાળા સહાયકોને કામગીરીઓ સોંપવામાં આવશે.(file image)