Mysamachar.in-અમદાવાદ:
ઘણી વખત એવું સંભળાતું હોય છે કે, વોટ્સએપ ચેટ સહિતની ઈલેક્ટ્રોનિક વિગતો અદાલતમાં પુરાવાઓ તરીકે માન્ય રહેતી નથી. આ પ્રકારનો અન્ય એક મામલો કોલ રેકોર્ડિંગનો છે. ઓડિયો ક્લિપ અંગે હાલમાં વડી અદાલતે સ્પષ્ટતા કરી છે. ઘરેલુ હિંસાના એક કેસમાં કહેવાયું છે કે, જો ઓડિયો ક્લિપ વૈજ્ઞાનિક રીતે ટેસ્ટેડ હોય તો, તે પુરાવા તરીકે અદાલત સમક્ષ રજૂ કરી શકાય.
ઘરેલુ હિંસાના ઘણાં કેસ એવા હોય છે જેમાં પતિ પત્ની વચ્ચે કાનૂની જંગ ખેલાતો હોય છે અને એવો દાવો થતો હોય છે કે, ફલાણાં પક્ષ પાસે સામા પક્ષની ક્રૂરતા દર્શાવતી ઓડિયો ક્લિપ છે. હવે આ પ્રકારની ઓડિયો ક્લિપ યોગ્ય પરીક્ષણ બાદ અદાલતમાં રજૂ થઈ શકશે. આ મતલબનો એક ચુકાદો તાજેતરમાં વડી અદાલત દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
આ પ્રકારની ઓડિયો ક્લિપનું વૈજ્ઞાનિક પરીક્ષણ પતિ અથવા પત્ની પણ કરાવી શકે અથવા તો કોઈ કેસમાં જરૂર પડે તો અદાલત પણ કોઈ પક્ષકારના દાવાની સત્યતા ચકાસવા આ પ્રકારનું પરીક્ષણ કરાવવા આદેશ પણ આપી શકે. ફોરેન્સિક સાયન્સની ટેક્નિકલ ભાષામાં આ પ્રકારના વૈજ્ઞાનિક પરીક્ષણને વોઈસ સ્પેકટ્રોગ્રાફ ટેસ્ટ કહેવામાં આવે છે. મેજિસ્ટ્રેટ કોઈ પણ ઓડિયો ક્લિપ માટે આ પરીક્ષણનો આદેશ આપી શકે છે. આ પ્રકારના પરીક્ષણ માટે પતિ અથવા પત્ની સહિતના કોઈ પણ પક્ષકારના વોઈસ સેમ્પલની આવશ્યકતા ઉભી થાય. આવા સમયે અદાલત તે પક્ષકારને વોઈસ સેમ્પલ આપવા પણ આદેશ કરી શકે, વડી અદાલતે આ સ્પષ્ટતા પણ કરી છે.
અમદાવાદમાં હાલમાં આવો એક બનાવ બન્યો હતો. એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ કરેલો અને બાદમાં પોતાના સાસરી પક્ષના કેટલાંક લોકોના કોલ રેકોર્ડિંગની સિડી અદાલત સમક્ષ રજૂ કરી હતી. આ સિડી સાથે એક સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવેલું. આ વૈજ્ઞાનિક પરીક્ષણનું સર્ટિફિકેટ એમ જણાવતું હતું કે, આ સિડીમાં જે અવાજનું રેકોર્ડિંગ છે તે ચેડાં થયા વિનાનું ઓરિજિનલ છે. ભારતીય પુરાવાઓ એક્ટની કલમ 65B અંતર્ગત આ સર્ટિફિકેટ માન્ય પુરાવો છે.
આ અનુસંધાને આ મહિલાએ અદાલત સમક્ષ એવી રજૂઆત કરેલી કે, વોઈસ સ્પેકટ્રોગ્રાફ માટે તેણીનો પતિ પોતાના અવાજનું સેમ્પલ અદાલતમાં રજૂ કરે, એવો આદેશ અદાલતે તેના પતિને આપવો જોઈએ. જો કે, અદાલતે એમ કહ્યું કે, ભારતીય બંધારણના સેક્શન 20(3) મુજબ કોઈ પણ આરોપી, કોઈ ચોક્કસ બાબતમાં મૌન રહેવાનો પણ અધિકાર ધરાવે છે. આમ કહી અદાલતે આ મહિલાની પતિના અવાજ સેમ્પલની માંગ ફગાવી દીધી હતી. બાદમાં, મહિલાએ આ મામલો સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો. ત્યાં અદાલતે કહ્યું: મેજિસ્ટ્રેટ વોઈસ સ્પેકટ્રોગ્રાફ ટેસ્ટ વિના પણ મામલા અંગે નિર્ણય લઈ શકે છે. આથી આ મહિલા આ મામલો વડી અદાલતમાં લઈ ગઈ.
વડી અદાલતમાં મહિલાના વકીલે લાંબી દલીલો કરી. સુપ્રિમ કોર્ટના કેટલાંક ચુકાદાઓ પણ ટાંકયા. પતિ પક્ષની દલીલો પણ સાંભળવામાં આવી. સમગ્ર મામલાને અંતે જસ્ટિસ ગીતા ગોપીએ કહ્યું: વૈજ્ઞાનિક પરીક્ષણ અંગેના સર્ટિફિકેટ સાથેની આ સિડી ઈન્ડિયન એવિડન્સ એક્ટ અનુસાર પુરાવાઓ તરીકે રજૂ કરી શકાય છે. વડી અદાલતે એવું પણ નિરીક્ષણ કર્યું કે, મેજિસ્ટ્રેટ આ પ્રકારના કેસમાં આરોપીને તેના વોઈસનું સેમ્પલ આપવા આદેશ કરવાની સત્તા ધરાવે છે.(file image source:google)