Mysamachar.in-અમદાવાદ
દિવસે ને દિવસે ઈ-પેમેન્ટની સંખ્યા વધતી જાય છે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા ઘણાં સમયથી ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે અને લોકો ડિજિટલ વોલેટ અને બેંકોની એપ્લીકેશન મારફત ઓનલાઇન પેમેન્ટ તરફ વળી રહ્યા છે. પરંતુ આવા ડિજિટલ વોલેટ અને એપ્લીકેશન વાપરતી વખતે ચેતવાની જરૂર છે. જો તમે ધ્યાન નહીં રાખો તો તમે સાઇબર ક્રાઇમનો ભોગ બની શકો છો. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે,
પેટીએમ kyc કરવાને નામે રૂપિયા 14 લાખ ઉપાડી લેવામાં આવતા પરિવારે પોલીસની મદદ માંગી છે, આંબાવાડી વિસ્તારમાં રહેતા વિનય દેસાઇ સાથે આ ઘટના બની છે. તેમને પેટીએમ અપડેટ નહીં થાય તો એકાઉન્ટ બ્લોક થઈ જશે તેવા મેસેજ બાદ ફોન આવ્યો હતો.તેમજ ફોન કરનારે પહેલા તો ફોન પર ડેબિટ, ક્રેડિટ કાર્ડ નંબર માંગ્યા હતા, જે આપ્યા પછી ડેબિટ, ક્રેડિટ કાર્ડ અને ઓટીપી મેળવીને ગઠિયાએ 14 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ફોન કે મેસેજ કરનાર અજાણી વ્યક્તિને આંખ બંધ કરીને વિગતો આપી દેતા લોકો માટે ચેતવણી સમાન પણ છે.