Mysamachar.in-ગીર સોમનાથ:
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને ખનીજચોરીના કેસમાં બે વર્ષ ઉપરની સજા પડતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ધારાસભ્ય પદ પરથી ભગવાનજીભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ બેઠક પર પેટાચૂંટણી યોજવા માટે ચૂંટણીપંચે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું હતું,તેવામાં આજે સુપ્રીમ કોર્ટે તાલાળા પેટાચૂંટણી યોજવા પર રોક લગાવી છે,

વિગત એમ છે કે તાલાળા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનજી બારડને ખનીજચોરીના કેસમાં બે વર્ષ અને ૯ માસની અદાલતે સજા ફટકારી હતી. આથી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ભગવાનજીભાઈ બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવતા ભગવાનજીભાઈએ નારાજ થઈને આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમની અરજી ફગાવી દેતા ભગવાનજીભાઈ બારડએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. જેમાં આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરીને હાલ તો તાલાળા પેટાચૂંટણી યોજવા પર સ્ટે આપ્યો છે અને ચૂંટણીપંચ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વગેરે પાસે આ મામલે જવાબ માંગીને આગળની કાર્યવાહી હાથ ધરાશે,

અત્રે ઉલ્લેખનીય છે કે તાલાળા વિધાનસભાની પેટા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જસાભાઈ બારડની જાહેરાત પણ કરી હતી. તેવામાં સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા કોંગ્રેસ માટે રાહતના સમાચાર છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.