Mysamachar.in-જામનગર:
જામનગરની એસ્ટેટ શાખાને થોડાં થોડાં સમયે ખોંખારો ખાવાની ચાનક ઉપડે છે અને સામે છેડે હકીકત એ પણ છે કે, આ શાખા ખોંખારો ખાઈ શકે એ પ્રકારનો ઈતિહાસ કે વર્તમાન ધરાવતી નથી. આજની તારીખે પણ શહેરમાં કેટલાં અને ક્યાં કયાં દબાણો છે, એ વિગતોની એસ્ટેટ વિભાગને શું ખબર નથી ??
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ શહેરમાં રણજિતસાગર રોડ પર શાલિગ્રામ હોસ્પિટલ એરિયામાં લાંબા સમયથી સરકારી ખરાબાની જમીન પર ખડકાયેલું અને ધમધમતું તોતિંગ સ્ટ્રક્ચર જ્યાં ઢોસાઓ પીરસવામાં આવતા હતા તે તોડી પાડી, શાખા પોતે કિંગ હોય એમ ગૌરવ લઈ રહી છે. ભલે આ સ્ટ્રક્ચર સરકારની જમીન પર હતું પરંતુ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના કાર્યક્ષેત્રની હદમાં જ, અત્યાર સુધી ધમધમતું રહ્યું ત્યારે એસ્ટેટ ના વડા આ દબાણથી અજાણ હતાં ? અને, સાથે એ પણ ચર્ચાઓ છે કે, અત્યાર સુધી સરકારી જમીન પર આવડો મોટો ખાનગી ધંધો ધમધમતો રહ્યો ત્યાં સુધી સંબંધિત તંત્રને સુઓમોટો રીતે લેન્ડ ગ્રેબિંગ કાર્યવાહીઓ કરવાનું શા માટે ન સૂઝયું. રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલાં તંત્રોએ ગૌરવ લેવાનું ટાળી સ્વચ્છતા અભિયાન હાથ ધરવું જોઈએ.
આ દબાણ હટાવ કામગીરીઓ અંગે એસ્ટેટ ઓફિસર એન.આર.દીક્ષિત કહે છે, આ મામલામાં છેક ધારાસભ્ય સ્તર સુધીની ભલામણોનો ધોધ છૂટવા છતાં મહાનગરપાલિકાએ નિયમ અનુસાર કાર્યવાહીઓ કરી આ વિશાળ દબાણ હટાવી અંદાજે દસેક હજાર ચોરસ ફૂટ જેટલી જમીન દબાણકારોના કબજામાંથી મુક્ત કરાવી છે.
આ કામગીરીઓ દરમિયાન એક મહિલાની નર્સરી તોડી પાડવાની કામગીરી વખતે વિવાદ પણ સર્જાયેલો અને આ મહિલાએ અધિકારીઓની મોડસ ઓપરેન્ડી વિષે જાહેરમાં જે શબ્દોનો પ્રયોગ કર્યો એ શબ્દોએ કામગીરીઓ સમયે સનસનાટી મચાવી દીધેલી. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રણજિતસાગર રોડ ધંધાર્થીઓ સહિતના ઘણાં લોકો માટે છેલ્લા કેટલાંક વર્ષોથી ‘લોટરી’ સાબિત થયેલો છે, એ ચર્ચાઓ પણ તંત્રો જાણતાં જ હશે. આ વિસ્તારમાં કહેવાય છે કે, ઈમ્પેક્ટ ફી કાયદો પણ લોકપ્રિય બની ચૂક્યો છે, આટલી બધી અને આટલી સંવેદનશીલ વિગતો, તંત્રોની જાણ બહાર કેવી રીતે રહી શકે- એ પણ સો મણનો સવાલ છે.