Mysamachar.in: ગુજરાત
સમૃધ્ધ ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગ કાયમ સંવેદનશીલ અને ચર્ચાસ્પદ બાબત રહી છે. ગેરકાયદેસર બાંધકામોની સમસ્યાઓ તો છે જ, સાથેસાથે થોડા થોડા સમયે સરકાર પર બિલ્ડર્સ અને ડેવલપર લોબીનું દબાણ પણ અનુભવાતું રહે છે. આગામી સમયમાં નવા જંત્રીદર અંગે નિર્ણય થનાર છે એવા સમયે વધુ એક વખત વધુ લાભો મેળવી લેવા બિલ્ડર્સ ધંધાર્થીઓએ સરકાર પર FSI મુદ્દે દબાણ વધારી દીધું છે.
સરકારે જંત્રીદરમાં તોતિંગ વધારો જાહેર કરી દીધો હતો. તે દરમિયાન બિલ્ડર્સ ધંધાર્થીઓ દ્વારા સરકાર પર દબાણ વધારવામાં આવેલું. ત્યારબાદ સરકારે થોડા સમય માટે, આ નવા જંત્રીદર સંબંધે સંબંધિત પક્ષકારો અને નાગરિકો પાસેથી વાંધાસૂચન મંગાવવામાં આવ્યા છે, એવી જાહેરાત કરવામાં આવી. વાંધાસૂચન પ્રથમ ઓનલાઈન અને બાદમાં દબાણ વધતાં ઓફલાઈન પણ સ્વીકારવામાં આવ્યા. બાદમાં વાંધાસૂચન મંગાવવાની તારીખ લંબાવવામાં આવી. આજે 20 જાન્યુઆરીએ આ માટેની અંતિમ તારીખ છે. દરમિયાન, અહેવાલ આવ્યો કે, બિલ્ડર્સ ધંધાર્થીઓ FSI માં વધુ છૂટછાટ ઈચ્છે છે, ખાસ કરીને સોસાયટીઝની રિ-ડેવલપમેન્ટ કામગીરીઓમાં. રાજ્યમાં આશરે 400થી વધુ સોસાયટીઝ રિ-ડેવલપમેન્ટ માટેની રાહમાં છે.
દરમિયાન, બિલ્ડર્સ ધંધાર્થીઓ ઈચ્છે છે કે સરકાર એમને નવા જંત્રીદર સાથે FSI માં વધુ છૂટછાટ આપે. આ માટે મહારાષ્ટ્ર મોડેલ લાગુ પાડવામાં આવે. જો કે, બીજી તરફ વેપાર ઉદ્યોગ માટેની સંસ્થાઓ એમ પણ કહે છે કે, બાંધકામ ઉદ્યોગને કારણે પ્રદૂષણ, પાણી પૂરવઠો અને ટ્રાફિક સમસ્યાઓ સંબંધિત પડકારો વધી ગયા છે એ તરફ પણ સત્તાવાળાઓએ ધ્યાન આપવું જોઇએ.
જંત્રીદર સંબંધિત વાંધાસૂચન માટે આજે અંતિમ તારીખ હોય, એકત્ર થયેલાં વાંધાસૂચન બાબતે સરકાર આગામી સમયમાં સમીક્ષાઓ કરશે અને ત્યારબાદ નવા જંત્રીદર માટેનો ડ્રાફ્ટ તૈયાર થશે. બિલ્ડર્સ ધંધાર્થીઓ વધારાની FSI ઉપરાંત એ માંગ પણ કરી રહ્યા છે કે, બિલ્ડર્સને ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ પણ આપવા જોઈએ જેથી વણવપરાયેલી FSI નો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં કરી શકાય. સાથેસાથે વેપાર ઉદ્યોગના નિષ્ણાંતો એમ પણ કહે છે કે, વર્ટીકલ વિકાસને કારણે પાણી પૂરવઠો, ગટર અને ટ્રાફિક સમસ્યાઓ જેવી બાબતો પર પણ ધ્યાન આપવું જરૂરી લેખાશે.