Mysamachar.in-
પ્લોટ, મકાન, દુકાન, ઓફિસ, ઉદ્યોગ કે ખેતીની જમીન- ખરીદવા કે વેચાણની પ્રક્રિયાઓમાંથી જો તમે કયારેય પસાર થયા હો તો તમને ખબર પડે કે, સરકારી કચેરીઓમાં સામાન્ય માણસને આ કામ પૂર્ણ કરતાં પહેલાં કેટલાં પાપડ વણવા પડે છે. આ હકીકત માત્ર સામાન્ય માણસનો જ અનુભવ નથી. ખુદ સુપ્રિમ કોર્ટ દ્વારા પણ આ બાબત ઉજાગર કરવામાં આવી છે, અને સરકારોને જણાવવામાં આવ્યું છે કે, આ સમગ્ર સિસ્ટમ હાલના આધુનિક યુગ મુજબની હોવી જોઈએ. ટેકનોલોજિથી ભરપૂર હોવી જોઈએ.
સુપ્રિમ કોર્ટની 2 જસ્ટિસની ખંડપીઠે કહ્યું: ખોટાં દસ્તાવેજ, જમીનો કબજે કરવી, ચકાસણીઓમાં વિલંબ, વચેટીયાઓની ભૂમિકાઓ અને રેઢિયાળ સરકારી કામગીરીઓને કારણે મિલકતની ખરીદી કે વેચાણ વખતે લોકો ટ્રોમા જેવી સ્થિતિઓનો અહેસાસ કરી રહ્યા છે. આ કામમાં લોકો માનસિક રીતે થાકી જાય છે. લોકોને 30-30 વર્ષ જૂની ફાઈલો પણ શોધવી પડે છે. દેશભરમાં સિવિલ કોર્ટમાં આવા કરોડો વિવાદ પડતર છે અને લાંબા સમયથી પડતર છે, આ સ્થિતિઓ બદલાવવી જોઈએ.


