Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર દેશના તમામ ઉદ્યોગ સંગઠનો જેના સભ્ય છે તે, દેશની સૌથી મોટી ઉદ્યોગ સંસ્થા CIIએ કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે, ઈંધણ પર જે ટેક્સ છે તેમાં હવે ઘટાડો કરવો જોઈએ. કેમ કે, પાછલાં અઢી વર્ષથી દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને અગાઉની સરખામણીએ સસ્તા દરે વિશ્વ બજારમાંથી ક્રૂડ મળી રહ્યું છે.
કેન્દ્રીય બજેટ પૂર્વે, આ ઉદ્યોગ સંગઠને પોતાના સૂચનો સરકારને મોકલ્યા છે. જેમાં સૌથી મહત્ત્વના સૂચન તરીકે કહેવાયું છે કે, સરકારે ઈંધણ પરની એકસાઈઝ ડ્યૂટી ઘટાડવી જોઈએ. જો આમ કરવામાં આવશે તો, ઈંધણનો વપરાશ વધારી શકાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પેટ્રોલ ડીઝલનો સરકારે GST માં હજુ સુધી સમાવેશ કર્યો ન હોય, ઈંધણ પર VAT અને એકસાઈઝ સહિતના ટેક્સ રાજ્ય અને કેન્દ્ર સરકાર વસૂલે છે. પેટ્રોલ પર 21 ટકા જેટલી અને ડીઝલ પર 18 ટકા જેટલી એકસાઈઝ કેન્દ્ર સરકાર વસૂલે છે. આ ઉપરાંત રાજ્ય દ્વારા વસૂલવામાં આવતો VAT અલગથી, જેને પરિણામે ઈંધણના ભાવો નીચા આવતા નથી.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, પાછલાં અઢી વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં 40 ટકા ઘટાડો થઈ ગયો છે. તેથી ભારતની તમામ રિફાઈનરી અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓને સસ્તું ક્રૂડ મળી રહ્યું છે, આમ છતાં આ ભાવઘટાડાનો લાભ વપરાશકાર સુધી પહોંચ્યો નથી, આથી આ ભાવઘટાડાને ધ્યાન પર લઈ સરકારે એકસાઈઝ સમાયોજિત કરવી જોઈએ, જે અઢી વર્ષથી કરવામાં આવી નથી. ઉદ્યોગ સંગઠને કહ્યું: લોકોની વ્યક્તિગત આવક પર પણ સરકારે ટેક્સ ઘટાડવો જોઈએ. આ ઉપરાંત કહેવાયું છે કે, ઓછી આવકવાળા વર્ગને ધ્યાને લઈ સરકારે કન્ઝપ્શન વાઉચર પ્રથા દાખલ કરવી જોઈએ.(પ્રતીકાત્મક તસ્વીર)