Mysamachar.in-મહેસાણા:
બે દિવસ પૂર્વે મહેસાણાના નુગર સુવિધા સર્કલ બ્રિજ નીચે રોજ અજાણી યુવતીની સળગેલી હાલતમાં લાશ મળતાં સમગ્ર પંથકમાં આ મામલે ભારે ચકચાર મચી ગઇ હતી. અને પોલીસ માટે પણ આ કેસ ઉકેલવો કઠીન હતો જો કે પોલીસને ગણતરીની કલાકોમાં જ સફળતા મળી છે અને હત્યારો મૃતક યુવતીની માતાનો પ્રેમી હોવાનું સામે આવ્યું છે, મૃતક યુવતી અને તેનો પરિવાર અગાઉ ચાણસ્મા રહેતો હતો. ત્યારે યુવતીની માતાને પાડોશમાં રહેતા પરેશ સાથે સંબંધ બંધાયો હતો. એ દરમિયાન તારીખ 29મી ડિસેમ્બરે હત્યારો પરેશ યુવતીને ફરવાના બહાને મહેસાણા લઈ આવ્યો હતો. ત્યાં ખારી બ્રિજ હેઠળ બાવળની ઝાડીમાં તેણે તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપીએ યુવતીના પરિવારને ગેરમાર્ગે દોર્યો હતો અને યુવતીને સિદ્ધપુર ચોકડી પાસે ઉતારી ગયાની સ્ટોરી બનાવી હતી.
યુવતીની લાશ આશરે 18થી 20 વર્ષની જણાતી હતી, જે સંપૂર્ણ બળેલી હાલતમાં હતી અને ચહેરો અર્ધબળેલી હાલતમાં હતો. જેથી આ લાશની ઓળખ કરવા માટે થઈને તેમજ ઘટના અંગે તપાસ કરવા 4 ટીમો બનાવવામાં આવી હતી. તેમજ આજુબાજુના જિલ્લાઓમાંથી આશરે 100 જેટલી છોકરીઓના ફોટા મંગાવી સરખામણી કરતાં ધ્યાનમાં આવ્યું હતું કે સિદ્ધપુર ખાતેથી એક છોકરી ગુમ થયેલી છે. તેમજ લાશનો ચહેરો તેની સાથે મળતી આવે છે. જેનાથી યુવતીની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી.આરોપીની પૂછપરછ કરાતાં તેણે મૃતકની માતા સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો કર્યો હતો. આરોપી મૃતકની માતાને વારંવાર મળતો હતો જે મૃતક યુવતીને પસંદ આવતું નહોતું. તેથી તેણે આ ગુનો આચર્યો હોવાની કબુલાત કરી હતી.
હત્યારા પરેશે યુવતીને ફરવાના બહાને મહેસાણા લાવ્યો હતો. તે તેને ખારી બ્રિજ નીચે લઇ જઇ હથોડીના 16 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ તેની લાશને સળગાવી નાખી હતી.ઘટનાની પોલીસ તપાસ કરાતાં ચાણસ્માનો રહેવાસી પરેશ જોષી આ યુવતી સાથે છેલ્લે જોવા મળ્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરાઓ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરાઓની ચકાસણી કરતાં એક શંકાસ્પદ બલેનો ગાડી 24થી 26 નવેમ્બરની તારીખોમાં તેમજ ઘટનાના સમયે આવતી જતી દેખાઈ હતી.એ જ ગાડી પાટણ અને સિદ્ધપુરમાં પણ દેખાઈ હતી. તેના આધારે ગાડી માલિકની તપાસ કરાઈ હતી. તેમજ સીસીટીવીના આધારે અમુક હોટેલમાંથી આ ગાડી નીકળતી દેખાઈ હતી. જેમાં એક વ્યક્તિ તેમજ સાથે એક યુવતી બેઠેલી જોવા મળી હતી. જેના આધારે પોલીસે સઘન પૂછપરછ કરતાં આરોપી પરેશે ગુનો આચર્યો હોવાની કબુલાત કરી હતી.મહેસાણા તાલુકા પોલીસને આરોપી ચાણસ્માનો રહેવાસી હોવાની જાણકારી મળતાં પોલીસ ચાણસ્મા આવી પહોંચી હતી. ચાણસ્મા સ્થાનિક પોલીસની મદદથી આરોપી પરેશ જોષીને ઝડપી લીધો હતો.