Mysamachar.in-જામનગર:
કોઈ પણ વિસ્તારમાં હજારો શ્રમિકો હોય કે મોટી ગરીબ અને પછાત વસતિ હોય, ત્યાં મુન્નાભાઈ MBBS એટલે કે બોગસ ડોક્ટર હોય જ, કારણ કે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ અસરકારક રીતે વ્યાપક નથી અને ગરીબ, પછાત કે શ્રમિક લોકો સમય અને નાણું બચાવવા- સસ્તા ડોક્ટરની સારવાર લેતાં હોય છે, આવા ડોક્ટરો બોગસ હોવાની શકયતાઓ વધુ કેમ કે, રેગ્યુલર કે કાયદેસરની ડિગ્રી ધરાવતા ડોક્ટર આ પ્રકારના ગરીબ, પછાત વિસ્તારમાં પ્રેક્ટિસ કરવાનું ટાળતા હોય છે.
બીજી તરફ જામનગર સહિત રાજ્યભરમાં સ્થાનિક જિલ્લા આરોગ્ય તંત્રો આવા બોગસ ડોક્ટરો પર કોઈ કારણસર ધોંસ બોલાવવાને બદલે વિવિધ પ્રકારના ‘સરકારી દિવસ’ની ઉજવણીઓ અને તેના ફોટા પ્રસિદ્ધ કરાવવામાં વ્યસ્ત રહેતાં હોય છે. જિલ્લાના આરોગ્ય તંત્રોની આ માનસિકતાનો બોગસ ડોક્ટરો ગેરલાભ ઉઠાવતાં હોય છે.
થોડાં થોડાં સમયે સ્થાનિક પોલીસ આવા બોગસ ડોક્ટરોને ઝડપી લેતી હોય છે પરંતુ આ વિષયમાં પોલીસની કાયદાકીય ભૂમિકાઓ ખૂબ જ મર્યાદિત હોય છે. આવા આરોપીઓ અદાલતમાં પરચૂરણ જૂગારના કેસ માફક સાવ આસાનીથી છૂટી જતાં હોય છે, તેથી આ બોગસ તબીબોને પોલીસ કે કાયદાનો કોઈ ડર હોતો નથી. સરકારે આ અંગેના કાયદાઓ આકરાં બનાવવા અંગે, કમ સે કમ હવે તો ધ્યાન આપવું જોઇએ.
જામનગર પોલીસના રેકર્ડ પરની વિગતો અનુસાર, છેલ્લા 3 જ વર્ષમાં જામનગર જિલ્લામાંથી કુલ 40 બોગસ ડોક્ટર ઝડપાઈ ગયા છે અને તે પૈકી 50 ટકા એટલે કે 20 બોગસ ડોક્ટર એકલાં મેઘપર (લાલપુર તાલુકો)માંથી ઝડપાઈ ગયા છે. અને એ પણ ઉલ્લેખનિય છે કે, શહેરોની ગરીબ તથા પછાત વસાહતોમાં બોગસ ડોક્ટર ન હોય, એમ માની લેવું પણ ભૂલભરેલું હોય શકે છે. ત્યાં પણ તપાસ આવશ્યક.