Mysamachar.in-સુરતઃ
જામનગર સહિત રાજ્યભરમાં આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને આર્થિક સંકળામણને કારણે થતા આપઘાતના કિસ્સામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. જે કે સુરતમાં પૈસેટકે સુખી સંપન્ન પરિવારના વ્યક્તિએ તાપી નદીમાં ઝંપલાવી ગુરુવારે આપઘાત કરી લીધાને મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે, જો કે હજુ સુધી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો નથી પરંતુ તેણે લખેલી સુસાઇડ નોટ પોલીસને હાથ લાગી છે, સુસાઇડ નોટમાં પણ આપઘાત પાછળનું કારણ ન જણાઈ આવતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલી સુસાઇડમાં બિલ્ડરે લખ્યું છે કે 'મારા મૃત્યુ પાછળ કોઇ જવાબદાર નથી. બસ પોલીસવાળા ભાઇઓને વિનંતી છે કે જો મારું મૃત્યુ થઇ જાય તો મારા ઘરના સભ્યો અને બહારના કોઇપણ વ્યક્તિની કોઇપણ જાતની પૂછપરછ કરવી નહીં. નહીતર મારી આત્માને શાંતિ નહીં મળે'.
સુરતના મોટા વરાછામાં સવજી કોરાટ બ્રિજ પરથી ગુરુવારે શ્રીમંત અને સંયુક્ત પરિવારમાં રહેતા શૈલેશ વઘાસિયાએ છલાંગ લગાવી લીધી હતી. ત્યારબાદ કોઇએ ફાયર ફાઇટરને જાણ કરી કે કોઇએ તાપી નદીમાં ઝંપલાવ્યું છે, જાણ થતા જ પોલીસ અને ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી નદીમાં મૃતદેહ શોધવાની કામગીરી હાથ ધરી હતી, આ દરમિયાન બ્રિજ નીચેથી શૈલેશનું મોપેડ, બૂટ અને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં સમગ્ર વિગત લખેલી હતી. બાદમાં કલાકોની જહેમત બાદ પણ મૃતદેહ હાથ લાગ્યો ન હતો. શૈલેશ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને તે કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. શૈલેશને પરિવારમાં પત્ની, બે બાળકો છે. ત્યારે સુખી સંપન્ન વ્યક્તિએ અચાનક કેમ આપઘાત કરી લીધો તેનું કારણ શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.