Mysamachar.in-જામનગર:
જામનગર સવાર સાંજ નાસ્તો આરોગવાનું શોખીન છે. લાખો નગરજનો ખાણીપીણીની દુકાનો અને લારીઓ પર નિયમિત રીતે નાસ્તો આરોગતાં જોવા મળે છે. આ પૈકી ઘણી બધી દુકાનો અને લારીઓ પર ગ્રાહકોને પ્રિન્ટેડ કાગળ એટલે પસ્તીમાં નાસ્તો પીરસવામાં આવે છે. આ પસ્તીમાં છાપકામની જે શાહીનો ઉપયોગ થયેલો હોય છે તે શાહી માનવ આરોગ્ય માટે અતિ જોખમી અને ઝેરી સાબિત થઈ શકતી હોય, Mysamachar.in દ્વારા તાજેતરમાં જ પસ્તીના આ ઉપયોગ અંગે લાલબતી દર્શાવવામાં આવેલી અને આ ગંભીરતા અંગે તંત્ર તથા ગ્રાહકોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

Mysamachar.in ના આ સંવેદનશીલ અહેવાલ બાદ, મહાનગરપાલિકાની ફૂડ શાખા સફાળી જાગી અને દોડી. ગઈકાલે ગુરૂવારે આ શાખાએ શહેરમાં નાસ્તાની કેટલીક દુકાનો અને લારીઓ પર પસ્તી અંગે ચેકિંગ કરેલું. આ કામગીરીઓ દરમિયાન તંત્ર દ્વારા આશરે પચાસ-પંચાવન કિલોગ્રામ જેટલી પસ્તી કબજે લેવામાં આવી છે. આ ઉપરાંત દસેક જેટલાં ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવી છે કે, હવે પછી જો પસ્તીનો ઉપયોગ થયાનું માલૂમ પડશે તો FSSAI ના નિયમો અનુસાર કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ખાણીપીણીના તમામ ધંધાર્થીઓને આ એકમોમાં હાઈજિનિક વાતાવરણ જાળવવા અંગે પણ તાકીદ કરવામાં આવી. ફૂડ સેફટી ઓફિસર દશરથ પરમારની ટીમ દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે આગામી સમયમાં પણ ચાલુ રહેશે.
