Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં જંત્રીદર વર્ષોથી વિવાદોમાં છે અને તેના અમલમાં પણ ઘણી અનિયમિતતાઓ ચાલતી હોવાની ફરિયાદો છે. દરમિયાન, સરકાર જંત્રીદરમાં વધુ એક વખત તોતિંગ વધારો કરવા જઈ રહી છે. પરંતુ સરકારની આ હિલચાલનો બિલ્ડર્સની સંસ્થા ક્રેડાઈ દ્વારા જ જોરદાર વિરોધ વ્યક્ત થયો છે. આ સંસ્થાએ વિરોધમાં વિવિધ મુદ્દાઓ ટાંકયા છે. અને, એમ પણ કહ્યું કે…છેલ્લા બાર-પંદર દિવસથી રાજ્યમાં એક પણ નવો બાંધકામ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો નથી. બિલ્ડર્સને સૂચિત જંત્રીદર વધારો કોઈ પણ સંજોગોમાં માન્ય નથી. (સરકાર ઝૂકશે, એમ દેખાઈ રહ્યું છે).
બિલ્ડર્સની સંસ્થા ક્રેડાઈ કહે છે: સરકારે નિયમિત રીતે દર વર્ષે જંત્રીદર અમુક ટકા વધારવો જોઈએ તો આટલું ભારણ ન આવે. તેને બદલે સરકારે વર્ષો સુધી જંત્રીદરની સમીક્ષાઓ ન કરી. પછી જંત્રીદર બમણો કરી નાંખ્યો. પછી ટૂંકા સમય બાદ, સરકારે જંત્રીદર વધારવા સર્વે કામગીરીઓ કરાવી. આ કામગીરીઓ જેતે જિલ્લામથકોએ કલેક્ટરની દેખરેખ હેઠળ થઈ. આ સર્વે કામગીરીઓ યોગ્ય રીતે કરવામાં આવી નથી. જંત્રીદરમાં સૂચિત વધારો 200થી 2000 ટકા સુધીનો છે. મોટાં શહેરોમાં મોટી અસરો નથી, ગામડાંઓમાં તથા નાના શહેરો અને સૌરાષ્ટ્રના નાના મહાનગરોમાં આ સૂચિત વધારાની મોટી અસરો થશે.
બિલ્ડર્સ કહે છે: સૂચિત જંત્રીદર વધારા અગાઉ કરવામાં આવેલો સર્વે યોગ્ય રીતે થયો નથી. વૈજ્ઞાનિક પદ્ધતિએ થયો નથી. ફરજિયાત ફેકટર ધ્યાન પર લેવામાં આવ્યા નથી. સર્વે આડેધડ થયા છે. ઘણાં બધાં જંત્રીદર તો જમીન મિલકતના બજારભાવ કરતાં પણ ઉંચા છે. યોગ્ય ઝોનિંગ કરવામાં આવ્યું નથી. જમીનો અને મિલકતોના પ્રકાર બધી જગ્યાએ ધ્યાન પર લેવામાં આવ્યા નથી. ટૂંકમાં, સર્વે તાર્કિક નથી.
બિલ્ડર્સ કહે છે: સૂચિત જંત્રીદર વધારાને જરૂર પડ્યે અદાલતમાં પણ પડકારવામાં આવશે. અને, સરકારની આ હિલચાલના વિરોધમાં બિલ્ડર્સ નવા બાંધકામ પ્રોજેક્ટ શરૂ નહીં કરે, હડતાલ યથાવત્ રાખશે. બિલ્ડર્સ એમ પણ કહે છે: સરકારે આ સૂચિત જંત્રીદર વધારા અંગે લોકો તથા બિલ્ડર્સ અને ડેવલપર પાસેથી વાંધાસૂચન મંગાવેલા છે. પરંતુ આ પ્રક્રિયાઓ ઓનલાઈન રાખવામાં આવી છે જેને કારણે સામાન્ય નાગરિકો અને ખેડૂતો આ પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકતા નથી. આ ઉપરાંત ઓનલાઈન પ્રોસેસમાં પણ તકલીફો છે. OTP વગેરેના ધાંધિયા છે. સરકારે આ પ્રોસેસ ઓફલાઈન પણ રાખવી જોઈએ.(ફાઈલ તસ્વીર)