Mysamachar.in-જામનગર:
અમદાવાદ-રાજકોટના GST અધિકારીઓએ ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને સુરતને ધમરોળી લીધાં બાદ હવે જામનગર પર ફોકસ કર્યું હોય એમ લાગી રહ્યું છે. ખૂબ જ ટૂંકા દિવસો દરમ્યાન અધિકારીઓ સતત ત્રીજી વખત જામનગર બ્રાસ ઉદ્યોગ પર ત્રાટક્યા જેથી ઘણાંની દીવાળી બગડી હોવાનું બહાર આવી રહ્યું છે.
કેટલાંક વખત અગાઉ અમદાવાદ GST ના અધિકારીઓએ જામનગરમાં આઠેક જેટલાં છકડા રિક્ષાઓને બ્રાસ હેરાફેરીમાં પકડી લીધાં. ત્યારબાદ તપાસમાં બહાર આવ્યું કે, જામનગરમાં રૂ. 560 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ થયું છે, 112 કરોડ સરકારમાંથી કાતરી લેવામાં આવ્યા. અને, જે અનુસંધાને એક CAના ‘હિસાબો’ બગાડી નાંખવામાં આવ્યા.
ત્યારબાદ ત્રીજી વખત અધિકારીઓ જામનગરના ‘મહેમાન’ બન્યા. આ વખતે SGST ને બદલે CGST અધિકારીઓ આવ્યા. જાણકારો મજાકમાં પૂછી રહ્યા છે કે, વિવિધ વિભાગના અધિકારીઓ એકમેક સાથે સંવેદનશીલ માહિતીઓની ‘આપ-લે’ કરતાં હોય છે ? જે હોય તે પણ, આ મહેમાનોને કારણે જામનગરમાં ડઝનેક જેટલાં યજમાનોની તબિયત તહેવારો ટાણી ફિક્કી પડી ગઈ.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરનો બ્રાસ ઉદ્યોગ વિદેશોમાંથી લોડેડ કન્ટેનર લાવવામાં અને જામનગરથી લોડેડ કન્ટેનર વિદેશોમાં મોકલવાની મહારત ધરાવે છે અને આ વિગતો સામાન્ય માણસની જાણમાં હોય તો સ્વાભાવિક છે કે, દિલ્હી અને અમદાવાદના અધિકારીઓના ધ્યાન પર હોય જ. કહેવાય છે કે, આ વિગતોના આધારે કેટલાંક કન્ટેનરના ‘માલ’ના હિસાબોની તપાસણી હાલ જામનગરમાં ચાલી રહી છે, ગત્ વખતની માફક આ વખતે પણ ‘ધોકો’ પડે તો અચરજ નહીં લેખાય, એમ સૂત્ર કહે છે.