Mysamachar.in-ગાંધીનગર:
રાજકાજ, રાજહઠ અને સ્ત્રીહઠ- આમાંથી આમ તો કોઈ પણ એક બાબત પણ સનસનાટી કે સમરાંગણ સર્જી શકતી હોય છે, પણ જ્યારે આ ત્રણેય બાબત એક સાથે બનવા જઈ રહી હોય, ત્યારે તો શું થઈ શકે છે, એ કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે. રાજકોટ અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આજે આ સ્થિતિ છે.
રાજકાજ- ભાજપાએ મન મક્કમ કરી લીધું છે, ગમે તેવો પ્રચંડ વિરોધ થાય, રાજકોટમાં તો રૂપાલા જ. બીજી તરફ, ક્ષત્રિયોએ રાજહઠના દર્શન કરાવી દીધાં છે. રૂપાલા તો જોઈએ જ નહીં. ત્રીજી તરફ, ક્ષત્રિય સમાજના મહિલાઓ અસલ રાજપૂતાણીઓ તરીકે સમાજના મરદોની સાથે મળીને જંગમાં કૂદી પડ્યા છે. તેઓએ સળગીને જીવ આપી દેવાની તૈયારીઓ કરી લીધી છે. જૌહરની ચીમકી આપી દીધી છે. રાજપૂત સમાજમાં શૌર્ય અને બલિદાન પ્રખ્યાત બાબતો છે.
રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ- આવા સેંકડો વિશાળ હોર્ડિંગ રાજકોટમાં શાનથી ઉભા છે. જેમાં મોદી-રૂપાલાના વિશાળ ચિત્રો છે. ક્ષત્રિય સમાજના આંદોલનને ભાજપાનો આ જવાબ છે ?! એવી ચર્ચાઓ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં છે. બીજી તરફ, ક્ષત્રિય સમાજ દ્વારા ઠેરઠેર સંમેલનોની તૈયારીઓ થઇ ગઇ છે. તેઓ વધુ એક વખત ગર્જના કરવા સજ્જ છે. અને, અધૂરામાં પૂરૂં આજે શનિવારે સાંજે ભાજપા હેડ કવાર્ટર કમલમ્ ખાતે મોટી ઘટના બનવા જઈ રહી છે, જેની જાહેરાત પણ થઈ ચૂકી છે અને રાજપૂત સમાજના આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા, સરકારે પૂરી તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદ-ગાંધીનગર ધોરીમાર્ગ પર ઠેરઠેર પોલીસ જ નજરે પડે છે કેમ કે, આજે સાંજે રાજપૂત સમાજના મહિલાઓ અહીં ઉમટી પડશે. જૌહરની ચીમકી આપવામાં આવી છે.
ક્ષત્રિય સમાજના મહિલાઓએ આત્યંતિક પગલું ભરવાની જાહેરાત કરી દીધી છે. ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે, વિવાદીત નિવેદનને કારણે, ભારે રોષ છે. ક્ષત્રિય મહિલાઓ આવેશમાં આવીને કોઈ અનિચ્છનીય પગલું ન ભરી બેસે તે માટે સરકારની બધે જ વોચ છે. પોલીસ તૈનાત જ છે. નજરકેદ જેવી બાબત પણ બની શકે છે.
અમદાવાદમાં ક્ષત્રિય સમાજના સાત મહિલાઓએ જૌહરની જાહેરાત કરી છે. ઈતિહાસ સાક્ષી છે કે, ચોક્કસ સંજોગોમાં ખુદને અગ્નિ સમર્પિત કરવાની ટેક રાજપૂત મહિલાઓમાં ભૂતકાળમાં જોવા મળી છે. અમદાવાદના આ મહિલાઓની જાહેરાત સાથેસાથે જ, રાજકોટમાં પદમિનીબા વાળાનું 48 કલાકનું અલ્ટીમેટમ પણ પૂર્ણ થયું છે.
અમદાવાદમાં રાજપૂત સમાજના અગ્રણી મહિલાઓ પ્રજ્ઞાબા ઝાલા અને ચેતનાબા જાડેજાએ જણાવ્યું છે કે, જે રીતે રૂપાલા દ્વારા રાજપૂત સમાજના માતા અને બહેનોને અપમાનિત કરવામાં આવ્યા છે, તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. બીજી તરફ અહીં સૌરાષ્ટ્રમાં રૂપાલા અમરેલીના લોકોને કહી રહ્યા છે કે, હું લોકસભા ચૂંટણી ઉમેદવારીનું ફોર્મ ભરવા રાજકોટમાં જઈશ ત્યારે, તમારે પાઘડીઓ પહેરી આવવાનું છે અને 7 મે એ મતદાનના દિવસે સૌએ સાગમટે આવવાનું છે.
દરમિયાન, જાહેર થયું છે કે, આજે શનિવારે અમદાવાદમાં રાજવીઓ એકઠાં થશે. દેશભરના રાજવીઓને જોડવા માટેનું આયોજન થશે. અમદાવાદમાં આજે પત્રકાર પરિષદ છે. બાદમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે. આગળની રણનીતિ નક્કી થશે. રાજકોટ સહિત ગોધરામાં પણ મોટાં કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે. રવિવારે આવતીકાલે ધંધુકામાં ક્ષત્રિયોનું મોટું સંમેલન છે. તમામ કાર્યક્રમોને લઈ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ મહિપાલસિંહ રાજસ્થાનથી ગુજરાત આવી રહ્યા છે. રાજકોટમાં અત્યારે કોર કમિટીના આઠ સભ્યોની બેઠક ચાલી રહી છે. આજે સાંજે રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સરકાર તરફથી સમગ્ર રાજ્યમાં પોલીસને એવી તાકીદ થઈ છે કે, ક્ષત્રિય સમાજના કોઈ પણ કાર્યક્રમને રોકવાનો નથી. જરૂર પડ્યે ઉચ્ચ પોલીસ અધિકારીનું માર્ગદર્શન લેવું.