Mysamachar.in-જામનગર:
નગરની મધ્યમાં આવેલા લાખોટા તળાવને એક તો બ્યુટીફીકેશનના નામે નજરકેદ કરી લેવામાં આવ્યું છે,એમાય વળી જ્યારથી આ પ્રોજેક્ટ થયો ત્યારથી એકાદ વખતને બાદ કરતા ચોમાસા પણ નબળા જતા હોય તળાવ પણ પુરતુ ભરાતુ ન હોય તેનો મુળ નજારો જોવા મળતો નથી તેવામા લાખોના ખર્ચે તેમાં બનાવાયેલા બોર પણ બુરાઇ ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.
તળાવમાં પાણી ઘટે એટલે જળચર અને પક્ષી માટે જોખમ તો ઉભુ થાય છે,વધુમાં દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાવવા લાગે છે,અને એનો નજારો જતો રહે છે.આવી પરિસ્થિતિનું નિર્માણ ખાળવા ત્રણ વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે બે મોટા બોર અને બીજા સામાન્ય ખાડાઓ બનાવાયેલા જેથી પંપથી તેમાંથી પાણી ખેંચી તળાવમા છોડાય અને સમગ્ર સપાટી પાણીથી તરબતર લાગે જેથી જળચર બચી જાય..પક્ષી આશ્રય થઇ જાય અને તળાવ જોવા જેવુ ફરવા જેવુ લાગે. ભલે બોરથી તળાવ સમગ્ર ન ભરાય તો પણ જાળવણી તો થાય તેવો હેતુ પણ હતો..
પરંતુ એક બોર માટે એક લાખથી વધુ ખર્ચ થાય તેવા બોર બનાવ્યા મશીનરી પાઇપલાઇન વગેરેના બીજા ખર્ચા પાણીની જેમ થયા પરંતુ જાળવણીના અભાવે બોર બુરાઇ ગયા મશીનરી સગેવગે થઇ ગઇ હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે. લાખો રૂપિયા પાણીમા ગયા એ બોર તો જડે તેમ જ નથી..પરંતુ નવા બોર બનાવી હાલની તળાવની વરવી સ્થિતિ સુધારવા કંઇ આયોજન નથી તેમ કોર્પોરેશન ના સતાવાળાઓએ જણાવ્યુ છે.
હાલ તો તળાવ ડુકી જતા અને ગંદકી વધતા દુર્ગંધ તો ફેલાય છે ખાસ કરીને જળચરને પુરતો પ્રાણવાયુ ન મળતા તેના પણ જીવના જોખમ છે અને પક્ષીઓનો આશરો ઝુંટવાતો જાય છે આ સ્થિતિમા બોર બનાવી તેમાથી પાણી ખેંચી સપાટી ભરવાની અને ફુવારા ચાલુ કરી ઓક્સીજન સર્કયુલેશન પુરતુ કરવાની જરૂર હોય તેમ લોકલાગણી ઊઠવા પામી છે.