Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના દરેડમાં આવેલાં BRC ભવનમાં સરકારી પુસ્તકો અને વૈકલ્પિક પુસ્તકો પલળી જવાનો મામલો, એક તરફ સતત લંબાતો જાય છે અને બીજી તરફ આ મામલો પેચીદો બનતો જાય છે અને સમગ્ર મામલામાં જેઓ ‘બોસ’ છે એ અધિકારી આ મહિલા અધિકારી પ્રત્યે આ તપાસ મામલામાં સોફટ કોર્નર દેખાડી રહ્યા હોય, સૌ હવે ‘બોસ’ પ્રત્યે શંકાની નજરે જોઈ રહ્યા છે. સૌથી સંવેદનશીલ અને ગંભીર વિષય એ છે કે, તપાસની ફાઈલ આ બોસની કચેરીમાંથી પગ કરી, એ મહિલા અધિકારીના ઘરે પહોંચી ગઈ, જેમની વિરુદ્ધ બોસના માર્ગદર્શનમાં તપાસ ચાલી રહી છે !!
અત્રે ઉલ્લેખનિય છે કે, દરેડ BRC ભવનમાં ગત્ ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાથી હજારો સરકારી પુસ્તક અને વૈકલ્પિક પુસ્તકો પલળી ગયા. સેંકડો વિદ્યાર્થીઓ આ પુસ્તકોથી વંચિત રહ્યા. આ મામલે ઉહાપોહ મચી ગયા બાદ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી-શિક્ષણના બોસ વિપુલ મહેતાએ પુસ્તકો પલળી જવાના આ પ્રકરણની આ પ્રકરણ માધ્યમોમાં ખુબ ગાજતા ક-મને તપાસ શાસનાધિકારીના વડપણ હેઠળની તપાસ સમિતિને સોંપી,
બાદમાં, તપાસ સમિતિના સભ્યો અને જેમની વિરુદ્ધ તપાસ ચાલે છે એ BRC કો-ઓર્ડિનેટર વારાફરતી રજાઓ પર જતાં રહેતાં, 7 દિવસમાં પૂર્ણ કરવાની આ તપાસ મહિના બાદ પણ પૂર્ણ થઈ નહીં. અને, અચાનક હવે એમ જાહેર થયું કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાંથી આ તપાસની ફાઈલ ‘ગાયબ’ થઈ ગઈ ! તપાસ સમિતિના વડા- શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુની પટેલએ જાહેર કર્યું કે, DPEOની કચેરીમાંથી ગાયબ થયેલી આ ફાઈલ એ BRC કો-ઓર્ડિનેટર પાસે પહોંચી ગઈ, જેમની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. શાસનાધિકારી વધુમાં કહે છે, તેઓ આ મામલાનો તપાસ રિપોર્ટ DPEO ને સોંપી દેશે.
બીજી તરફ DPEO વિપુલ મહેતા કહે છે: તપાસ સમિતિના કોઈ સભ્યએ મારી કચેરીમાં રહેલી આ ફાઈલ BRC કો-ઓર્ડિનેટર સુધી પહોંચાડી દીધી. કોણે ફાઈલ પહોંચાડી તે ખબર નથી. ટૂંકમાં, કચેરીમાંથી આ ફાઈલ ગાયબ થઈ એ વાતનો આ અધિકારીએ સ્વીકાર કરી લીધો પરંતુ આ આખા મામલામાં ફાઈલનો કબજો મેળવવા બદલ આ BRC કો-ઓર્ડિનેટર વિરુદ્ધ તથા આ ફાઈલ ગાયબ કરનાર વિરુદ્ધ કોઈ એકશન લેવામાં આવશે કે કેમ, એ મુદ્દે DPEO કોઈ ફોડ પાડતાં ન હોય, એવું સ્પષ્ટ સમજાઈ રહ્યું છે કે, તેઓ આ BRC કો-ઓર્ડિનેટર પ્રત્યે આ મામલામાં સોફટ કોર્નર ધરાવી રહ્યા છે. શિક્ષણ કચેરીના પોતે બોસ હોવા છતાં આ આખા મામલામાં અન્ય કલાસ ટુ અધિકારીઓની મદદ લેવામાં આવશે એવી વાતો વહેતી મૂકીને DPEO વિપુલ મહેતા, આ સમગ્ર પ્રકરણને કોઈ અગોચર દિશામાં ખેંચી જવા પ્રયાસ કરી રહ્યા હોય, એવું દેખાઈ રહ્યું છે.
આ આખો મામલો અતિ સંવેદનશીલ અને ગંભીર હોય બાળકોના શિક્ષણ બગડવા બાબતે કોઈ ચૂક ન રહી જાય એ માટે ખરેખર તો ગાંધીનગર અને શિક્ષણમંત્રી કક્ષાએ આ વિષય હાથમાં લઈ સપાટો બોલાવી દઈ દાખલારૂપ કાર્યવાહીઓ કરવી જોઈએ, કેમ કે જામનગર સહિત વિવિધ જિલ્લાઓમાં આ પ્રકારની ગોબાચારીઓ ચાલતી રહેતી હોય છે, જેમાં મોટેભાગે સ્થાનિક તંત્રો સંકેલો કરી લેતાં હોય છે અને કસૂરવારોને બચાવી લેવામાં સફળ રહેતાં હોય છે, આથી સરકારે શિક્ષણતંત્રની રહીસહી પ્રતિષ્ઠા બચાવવા આકરી કાર્યવાહીઓ હાથ ધરવી જોઈએ એમ પણ શિક્ષણનું હિત ઈચ્છતા લોકો કહી રહ્યા છે.
એ ફરી યાદ આપવી દઈએ કે આ તપાસ જેમને સોંપવામાં આવી છે તે શાશાનાધિકારી ફાલ્ગુનીબેન પટેલે 15 નવેમ્બરે માય સમાચારને જણાવેલ કે તેમની પાસે જે આધાર પુરાવાઓ તપાસ દરમિયાન મળ્યા છે તે જોતા બી,આર,સી, કો ઓર્ડીનેટરની ગંભીર બેદરકારી છે એટલે કે તેવો કસુરવાર છે તેવું સ્પષ્ટ કહ્યું હતું.