Mysamachar.in-ગાંધીનગર:
12 માર્ચ, જે લોકો તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા તબીબી ધંધાકીય એકમો ધરાવે છે, તેમણે આ તારીખ યાદ રાખવી જ પડશે, જો બિઝનેસ ચાલુ રાખવો હોય તો. આ તારીખ સુધીમાં હોસ્પિટલ, દવાખાના, ક્લિનિક કે લેબોરેટરી ધરાવનારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ પોતાના એકમની નોંધણી ફરજિયાત રીતે કરાવી લેવાની રહેશે. વધારામાં, સરકાર આ એક્ટને ‘આકરો’ બનાવવા જઈ રહી હોવાનું આધારભૂત સૂત્ર જણાવે છે.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં, જામનગર પંથકમાં પણ, બોગસ ડોક્ટરોની બોલબાલા છે. આ શખ્સો લોકોના આરોગ્ય અને જિંદગીઓ સાથે ચેડાં કરે છે. નોટું છાપે છે. લાંબા સમય સુધી પકડાતા નથી. ઝડપાઈ ત્યારે આકરો દંડ કે સજા નથી. અદાલતમાં છૂટી જાય છે. ફરીથી બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી દે છે. અમુક તો બબ્બે ત્રણ ત્રણવાર ઝડપાઈ જાય, તો પણ ધંધો ચાલતો રહે છે. જિલ્લાતંત્ર આ મુદ્દે કંઈ કરતું નથી. પોલીસ ક્યારેક ક્યારેક આવા લોકોને પકડે છે. પણ કાયદો નખ-દાંત વિનાનો હોવાથી બોગસ ડોક્ટર ડરતા નથી.

બોગસ ડોક્ટરના અનિષ્ટને નાથવા સરકાર આગામી વિધાનસભા સત્રમાં કાયદામાં સુધારાઓ લાવશે. લાખો રૂપિયાના દંડની જોગવાઈ થશે એવી શકયતાઓ છે. આ ઉપરાંત ઘણાં તબીબી વ્યાવસાયિક એકમો પણ નોંધણી વિના ધમધમે છે, તેના પર પણ અંકુશ આવશે. બોગસ ડોક્ટરનું તો આ સૂચિત સુધારાથી ‘ઓપરેશન’ જ થઈ જશે, ઘણાં સમયથી આ જરૂરી બની ગયું છે. સરકારે આ દિશામાં ઝડપ કરવી જોઈએ અને તમામ કસૂરવારો વિરુદ્ધ આકરાં પગલાંઓ લેવા જોઈએ, એવું સૌ ઈચ્છી રહ્યા છે. બોગસ ડોક્ટરને હવે ભૂખે મરવાનો વારો આવશે. અથવા ઝડપાશે ત્યારે સરકાર તેને કાયદો કેટલી હદે કડક છે તેનો અહેસાસ કરાવશે તેવી તૈયારીઓ થઇ ચૂકી છે.(symbolic image)