Mysamachar.in:અમદાવાદ:
કોઈ પણ બેંકમાં કોઈ એક વ્યક્તિ એકાઉન્ટ ધરાવતી હોય પરંતુ તેનું આ એકાઉન્ટ કોઈ અન્ય વ્યક્તિ ઓપરેટ કરતી હોય અને આ એકાઉન્ટ ધારકને આ એકાઉન્ટ આ રીતે ભાડે આપવાના બદલામાં નિયમિત રીતે અથવા એકસાથે ચોક્કસ રકમ, આ અન્ય ઓપરેટર દ્વારા આપવામાં આવતી હોય એ વાત આમ જો કે નવી નથી પરંતુ આ પ્રવૃતિઓનો વ્યાપ હવે બહુ મોટો થઈ ગયો છે, સાયબર ક્રાઈમ અને ક્રિકેટ સટ્ટામાં આવા ભાડૂતી એકાઉન્ટ મારફતે ગુજરાતમાં વર્ષે 11,000 કરોડ રૂપિયાના ખેલ પડી જતાં હોવાનું અંતરંગ વર્તુળ જણાવે છે, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ પછી પણ આવા મામલાઓમાં કસૂરવારોનો વાળ વાંકો થતો નથી. લોકો લૂંટાતા રહે છે અને ક્રિકેટનો જૂગાર બેફામ ચાલતો રહે છે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, ગુજરાતના તમામ મોટાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવા ડમી બેંક એકાઉન્ટની બોલબાલા છે. જેના નામનું આ એકાઉન્ટ હોય, તે નામથી સિમકાર્ડ પણ ખરીદવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને ગુનેગારો એપ મારફતે આ એકાઉન્ટ ઓપરેટ કરતાં હોય છે. એકાઉન્ટધારકને એકાઉન્ટ ભાડે આપવાના બદલામાં નાણાં મળે છે. એકાઉન્ટ ઓપરેટ કરનાર અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ ખુદ ગુનેગાર અથવા ગુનેગારના સાગરિતો હોય છે. આ એકાઉન્ટમાં કોઈ પણ રકમ ટ્રાન્સફર થયા બાદ ગણતરીની મિનિટોમાં આ રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ એટીએમ મારફતે ઉપડી જતી હોય છે એટલે ફરિયાદ દાખલ કરાવ્યા બાદ, કે તપાસ બાદ પણ ગુમાયેલી રકમ ફરિયાદીને પાછી મળતી નથી. જે વ્યક્તિના નામનું એકાઉન્ટ હોય તે જ ઓપરેટ કરે એવી વ્યવસ્થાઓ અંગે વિચારી શકાય અથવા આ પ્રકારના એકાઉન્ટ કોણે, શા માટે ખોલાવ્યા અને તેઓ જાતે આ એકાઉન્ટ શા માટે ઓપરેટ નથી કરતાં તેમજ એકાઉન્ટ સાથે જોડાયેલ મોબાઇલ સિમ કોના કબજામાં છે વગેરે બાબતોની ઝીણવટથી તપાસ હાથ ધરવામાં આવે તો ડમી એકાઉન્ટના મૂળ સુધી આરામથી પહોંચી શકાય.
આ ઉપરાંત સિમકાર્ડ રજિસ્ટ્રેશન અને જેતે સિમકાર્ડ સાથે સંબંધ ધરાવતાં બેંક એકાઉન્ટના ધારકની આકરી પૂછપરછ હકીકતો બહાર લાવી શકે તથા આવા એકાઉન્ટ સાથે બેંક સ્ટાફની સંભવિત સંડોવણી વગેરે બાબતો પર પણ ફોક્સ કરવું જોઈએ. સાયબર ક્રાઈમ ઉપરાંત ક્રિકેટ જૂગારમાં પણ આવા ભાડૂતી બેંક એકાઉન્ટનો છૂટથી ઉપયોગ થતો હોય છે. ભાડૂતી બેંક એકાઉન્ટ GST અને IT કૌભાંડ તેમજ શેરબજારના કૌભાંડો સાથે પણ ઘણાં કેસમાં સંબંધિત જોવા મળતાં હોય છે. આ સમગ્ર મોડસ ઓપરેન્ડી પર તપાસનીશ એજન્સીઓ ક્યારે ફોક્સ કરશે ? એવો પ્રશ્ન પણ જાણકારોમાં પૂછાઈ રહ્યો છે.