Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યભરમાં ગઈકાલે સોમવારે લોકસભા ચૂંટણીઓ સંદર્ભે શાસકપક્ષ દ્વારા ચૂંટણીઓમાં કોણ દાવેદારો છે ? તે જાણવા અને આગામી લોકસભા ચૂંટણીઓ અંગે મુખ્ય કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો કશું કહેવા ઈચ્છે છે કે કેમ ? તેવા પ્રશ્નોના જવાબો મેળવવા સૌના મનની વાત જાણવા પ્રદેશ નિરીક્ષકો દ્વારા કસરત કરવામાં આવી પરંતુ આ સેન્સ પ્રક્રિયાઓ સંપૂર્ણ બેમતલબ અને નિરસ રહી, કારણ કે બધું જ પતી ગયા બાદ પણ સ્થાનિક આગેવાનો આ અંગે અજાણ છે અથવા અજાણ હોવાનો ઢોંગ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ સહિતના સેન્ટરોના એક એક દાવેદારોના નામો સત્તાવાર રીતે એક એક વ્યક્તિ જાણે છે, જ્યારે જામનગરમાં પદાધિકારીઓ પણ અજાણ !!
આ વખતે વડાપ્રધાન સહિતની પક્ષની નેતાગીરીએ જરા જુદી પેટર્ન અપનાવી છે, ખુદ વડાપ્રધાન સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રણ ત્રણ દિવસ રોકાઈ ગયા, મુખ્યમંત્રી અને પ્રદેશ બીજેપી અધ્યક્ષ સહિત સૌ પાસેથી બધું જ જાણી દિલ્હી પહોંચી ગયા અને બીજે જ દિવસે ગુજરાતમાં પક્ષે અચાનક સેન્સ પ્રક્રિયાઓ આરંભી. કોઈને કશી જ તૈયારીઓ કરવાનો સમય આપવામાં આવ્યો નહીં.
આવતીકાલે મુખ્યમંત્રી તેલંગાણાથી આવી રાજ્યની, પક્ષની આ સેન્સ પ્રક્રિયાઓનો રિપોર્ટ મેળવશે. અને ગુરૂવારે આ આખો રિપોર્ટ દિલ્હી પણ પહોંચી જશે અને પછી ગમે ત્યારે ગુજરાત બીજેપીના 26 ઉમેદવાર પણ જાહેર થઈ જશે. એમ પણ માનવામાં આવે છે કે, જો માર્ચના પ્રથમ કે બીજા સપ્તાહમાં લોકસભા ચૂંટણીઓની જાહેરાત થવાની હશે તો, એ જાહેરાત અગાઉ જ બીજેપી ઉમેદવારો જાહેર પણ થઈ શકે છે !! ટૂંકમાં, બધું જ એ ગતિએ થઈ રહ્યું છે કે, કોઈ કશું વિચારી પણ ન શકે. તેનો એક અર્થ એ પણ થઈ શકે કે, બધું જ ક્યારનું નક્કી થઈ ચૂક્યું છે, હાલ માત્ર ફોર્માલિટીઝ પતાવવામાં આવી રહી છે.
જામનગર બીજેપીના જિલ્લા કાર્યાલય અટલ ભવન ખાતે સોમવારે પ્રથમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓના મનની વાત નિરીક્ષકોએ સાંભળી. ત્યારબાદ જામનગર જિલ્લાની વાત સાંભળવામાં આવી અને બાદમાં જામનગર મહાનગરને સાંભળવામાં આવ્યું. આ પ્રક્રિયાઓ દરમિયાન, કોઈએ દાવેદારી કરી કે કેમ ? તે અંગે એક પણ પદાધિકારી જાહેરમાં અથવા સત્તાવાર રીતે કશું બોલવા રાજી નથી. રાજયના અન્ય સંસદીય મત વિસ્તારોની આ બધી જ વિગતો જગજાહેર છે.
જામનગરમાં પ્રદેશમાંથી ત્રણ નિરીક્ષકો તરીકે પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ અને ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલ સેન્સની ફોર્માલિટીઝ પૂર્ણ કરવા આવેલાં, જેઓ સૌના મનની વાત જાણી જતાં રહ્યા. અટલ ભવન ખાતે આ પ્રક્રિયાઓ રાત્રિના અગિયારેક વાગ્યા સુધી ચાલતી રહી.
સોમવારે અટલ ભવનની નિરીક્ષકોની મુલાકાત સમયે હાજર રહેલ મહાનુભાવોમાં જામનગર જિલ્લા બીજેપી અધ્યક્ષ રમેશ મુંગરા, દ્વારકા જિલ્લા બીજેપી અધ્યક્ષ મયૂર ગઢવી, શહેર બીજેપી અધ્યક્ષ વિમલ કગથરા, પૂર્વ મંત્રી ચીમન શાપરિયા, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, કોંગ્રેસમાંથી ભાજપામાં આવેલાં પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા, પૂર્વ ધારાસભ્ય વલ્લભ ધારવીયા, બીજેપી કિસાન મોરચા પ્રદેશમંત્રી સુરેશ વશરા તથા બન્ને જિલ્લાઓ તથા તાલુકાઓનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં કેટલાંક મહિલાઓ પણ હતાં. નિરીક્ષકોએ પણ આ સેન્સ પ્રક્રિયા અંગે કોઈ પણ સૂચક નિવેદન કરવાનું ટાળી દઈ માત્ર એટલું જ કહેલું કે, અમોએ સૌના મનની વાત જાણી, અમારાં મનની વાત ગાંધીનગર જઈને કરીશું. આમ પક્ષની આ કસરત કોઈ જ રીતે નોંધપાત્ર ન રહી.