Mysamachar.in-રાજકોટ
રાજકોટ અને જામનગર સહિત સમગ્ર રાજ્યમાં એક પત્રિકા વાયરલ થઈ છે, જેમાં 5 માર્ચની તારીખ લખવામાં આવી છે, પત્રિકા પ્રદેશ બીજેપી અધ્યક્ષને સંબોધીને લખવામાં આવી છે, પત્રિકા લખનારના નામની જગ્યાએ લખવામાં આવ્યું છે ” પક્ષનો વિશ્વાસુ, એક ગાભામારૂ કાર્યકર “.આ પત્રિકા એટલી બધી વાયરલ થઈ કે, ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષે ખુદે નિવેદન આપી સ્પષ્ટતા આપવી પડી છે.
ગાભામારૂ ના નામે લખાયેલી આ પત્રિકામાં લખવામાં આવ્યું છે કે, “
છેલ્લા કેટલાંક વર્ષોથી ભાજપ પક્ષમાં કોંગ્રેસના નેતાઓને ભેળવીને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, મંત્રીમંડળ અને બોર્ડ નિગમ સહિત પાર્ટી સંગઠનમાં પણ મહત્વના હોદ્દાઓ આપવામાં આવતા હોવાથી મૂળ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલ કાર્યકર્તાઓને ખુરશીને ગાભા મારવાની પરિસ્થિતિઓ પેદા થઈ છે. ભાજપના જૂના કાર્યકર્તાઓને લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ‘ગાભામારૂ’ તરીકે સંબોધી મશ્કરી કરતાં જોવા મળે છે, ત્યારે ભાજપના કાર્યકર્તાઓના હક્ક માટે મારી નીચે મુજબની રજૂઆત છે.
પત્રિકામાં આગળ લખવામાં આવ્યું છે કે, ” ગુજરાત ભાજપના સંગઠનમાં તેમજ ટિકિટ ફાળવણીમાં ભાજપના જ વર્ષો જૂના મૂળ કાર્યકર્તાઓ માટે 14ટકા અનામતની જોગવાઈ કરવામાં આવે. ટૂંકમાં, ભાજપના સંગઠનના તમામ સ્તરે 14 ટકા જગ્યાઓમાં ફરજિયાત ભાજપના જૂના કાર્યકરને જ હોદ્દા આપવાના એવી જ રીતે ટિકિટ ફાળવણીમાં પણ 14 ટકા ટિકિટ મૂળ ભાજપીને આપવાનો નિર્ણય કરવા વિનંતી છે.”
પત્રિકા આગળ કહે છે: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા માટે 40 ટકા અનામત, જેને લોકો ‘ગાભામારૂ’ કહીને મશ્કરી કરે છે તેવા મૂળ ભાજપના નેતાઓ માટે 14 ટકા અનામત, કમલમમાં પાર્ટી ફંડ આપતા બુટલેગરો, બળાત્કારીઓ, રેતી માફિયાઓ, કોન્ટ્રાક્ટરો, પેપરફોડુઓ, ગૌચરમાફિયાઓ માટે 30 ટકા અનામત અને જનરલ કેટેગરી (જેમાં નવા જોડાયેલા સેલિબ્રિટીઓ કે જૂના ભાજપી અથવા ઘરવાપસી થયેલાઓ સહિત તમામ માટે) માટે 16 ટકા બિન અનામત. “
જો વહેલી તકે ઉપરોકત બાબતે ગંભીરતાપૂર્વક નિર્ણય કરવામાં નહીં આવે તો કદાચ ભવિષ્યમાં ભાજપમાં તમામ હોદ્દાઓ પર કોંગ્રેસી લોકો બેસી જશે, પક્ષનો વિશ્વાસુ ‘ગાભામારૂ કાર્યકર ‘ – એમ છેલ્લે લખવામાં આવ્યું છે.
આ પત્રિકા વાયરલ થયા બાદ, પ્રદેશ બીજેપી ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ નિવેદન આપ્યું છે કે, ” પત્રિકા વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ દ્વારા વાયરલ કરવામાં આવી હોય શકે, આ પત્રિકા ભાજપના કોઈ વ્યક્તિએ બનાવી ના હોય શકે, સામ્યવાદી અને વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિનું કામ હોય શકે..”