Mysamachar.in-
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ગાંધીનગરની માફક દિલ્હીમાં પણ મોટાપાયે જોવા મળી રહ્યો છે. કેમ કે, દિલ્હી કેજરીવાલનું ઘર છે અને ભાજપાની અજેય જોડી મોદી-શાહનું હેડ કવાર્ટર પણ સ્વાભાવિક રીતે જ દિલ્હીમાં છે. કોન્ગ્રેસનાં રાષ્ટ્રીય નેતાઓ પણ દિલ્હીમાં હોય છે. રાહુલ જો કે, ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. આ તરફ આજે મંગળવારની સવારથી આગામી 48 કલાક રાષ્ટ્રીય અને ગુજરાત ભાજપા માટે અતિ મહત્વના છે કેમ કે, ગુજરાતમાં કોને ટિકિટ આપવી ? અને, કોને સમજાવી શાંતિ રાખવા જણાવવું તેમ જ કોનાં મતવિસ્તારોમાં પરિવર્તન લાવવું ? વગેરે ચર્ચાઓ આ બે દિવસ દરમિયાન ભાજપાનાં સંસદીય બોર્ડમાં થવાની છે.
વડાપ્રધાન, ગૃહમંત્રી, ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ દિલ્હીમાં છે. ગુજરાતથી મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને પક્ષનાં સંગઠનનાં રાષ્ટ્રીય મહામંત્રી કાલે સોમવારે સાંજે જ દિલ્હી પહોંચી ગયા છે. આજે મંગળવારે અને આવતીકાલે બુધવારે બે દિવસ સંસદીય બોર્ડની બેઠકમાં ગુજરાતના કેટલાંક ઉમેદવારો નક્કી થશે, એવું અત્યારે દેખાઈ રહ્યું છે. ઉમેદવારોની પસંદગી એક કરતાં વધુ તબક્કામાં થશે. કાલે સોમવારે સાંજે અમિત શાહનાં નિવાસસ્થાને ભાજપાનાં મોવડીઓની બેઠક અઢી ત્રણ કલાક ચાલી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ પણ હાજર રહ્યા હતાં. આ બે દિવસ મહામંથન ચાલશે. વડાપ્રધાન તથા ગૃહમંત્રીની વ્યૂહરચના સૌને સમજાવવામાં આવશે.
આવતીકાલે બુધવારે સાંજે ભાજપાની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ રહી છે. એટલે શક્યતાઓ એવી પણ છે કે, બુધવારે રાત્રે અથવા ગુરૂવારે સવારે દિલ્હી ભાજપા દ્વારા ગુજરાતને સંબંધિત કોઈ મોટા સમાચારની જાહેરાત થઈ શકે. જો કે, હાલ બધી જ સંભાવનાઓ જો અને તો હોવાનું સમજાઈ રહ્યું છે કેમ કે, ગુજરાત ભાજપામાં મોદી-શાહ જ નિર્ણાયક વ્યૂહરચના ગોઠવશે અને અમલમાં મૂકશે. કેમ કે, 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી એક અર્થમાં અસાધારણ છે. અહેવાલો તો એવાં પણ છે કે, ભાજપા દ્વારા આ વખતે ગુજરાતમાં ઉમેદવારોની પસંદગી જરા હટકે નહીં પરંતુ બહુત હટકે હશે !