Mysamachar.in-જામનગર:
ગુજરાતની 26 લોકસભા બેઠક પર દરેક બેઠકમાં ભાજપા આ ચૂંટણીઓમાં પાંચ પાંચ લાખની લીડના ટાર્ગેટ સાથે દોડી રહી છે અથવા તો પ્રદેશ અધ્યક્ષ પક્ષને આટલી સ્પીડે દોડાવવા ઈચ્છે છે. પ્રદેશ અધ્યક્ષની મનોકામના પૂર્ણ થશે ? થઈ શકશે ? કેવી રીતે આમ શક્ય બની શકે ? વગેરે મુદ્દાઓની ચર્ચાઓ તેઓના પક્ષમાં પણ ચાલી રહી છે. ઈતિહાસ સર્જવો મોટું કામ હોય છે. દરેક કિસ્સામાં મોટું કામ પાર પડી જ જાય, એવું જરૂરી નથી હોતું.
રાજ્યમાં ભાજપા પાસે નોંધાયેલા પ્રાથમિક સભ્યો 1.13 કરોડ છે. અને, દરેક 26 બેઠક પર પાંચ પાંચ લાખની લીડ મેળવવા ભાજપાએ કુલ 2.20 કરોડ મત મેળવવા પડે. ગત્ લોકસભા ચૂંટણીઓમાં 1.68 કરોડ મત મેળવવામાં સફળતા મળી હતી. પાંચ પાંચ લાખની લીડ દરેક બેઠક પર મેળવવા, ગત્ ચૂંટણીઓ કરતાં આ વખતે ભાજપાએ વધારાના 54 લાખ મતો મેળવવા પડે. પરંતુ અત્રે યાદ રહે, 2024 એ 2019 નથી.
ગત્ લોકસભા ચૂંટણીઓ વખતે ભાજપામાં ઉત્સાહ મહત્તમ અને આંતરકલહ લઘુતમ હતો. એક પણ બેઠક પર તે વખતે ઉમેદવાર પસંદ કરવામાં મુશ્કેલીઓ પડી ન હતી. એ ચૂંટણીઓમાં ભાજપાએ એક પણ ઉમેદવાર જાહેરાત બાદ બદલવા પડ્યા ન હતાં. કોઈ ઉમેદવાર સામે ત્યારે પક્ષમાં કોઈને નારાજગીઓ ન હતી. અથવા, ક્યાંય પણ આંતરિક મતભેદો 2019માં બહાર આવ્યા ન હતાં. ત્યારે પક્ષ માટે અચ્છે દિન હતાં. સર્વત્ર મોદી મોદીનો પ્રભાવ અને જાદુ અજોડ હતો. તેથી સતત બીજી વખત રાજ્યમાં તમામ બેઠકો પર વિજય સાંપડયો.
આ વખતે પરિસ્થિતિઓ અલગ છે. મોંઘવારી અને બેરોજગારી જેવા રાક્ષસોથી પ્રજા ત્રસ્ત છે. ઈલેકટોરલ બોન્ડની ચર્ચાઓ ગરમાગરમ છે. પક્ષનો આંતરકલહ બહાર પણ દેખાઈ રહ્યો છે. પક્ષમાં ઘણાં લોકો મનમાં નારાજ છે. ઘણાં નિષ્ક્રિય છે. ઘણાં ખાનગીમાં ઉકળાટ કાઢે છે. કેટલાંક જાહેરમાં પણ બોલે છે. શિસ્તબદ્ધ પક્ષની છાપને ક્ષતિઓ પહોંચી છે. વડોદરા અને સાબરકાંઠા સહિતની બેઠકોમાં ખુલ્લો અને જૂનાગઢ સહિતની બેઠકો પર ખાનગી વિરોધ, પક્ષને નુકસાન કરે તેવા સ્થાનિક મુદ્દાઓ, ટિકિટ મેળવવામાં ધમપછાડા પછી પણ નિષ્ફળ રહેલાં દાવેદારો અને તેમના સમર્થકોનો છૂપો રોષ અથવા દેખીતો અસંતોષ અને સતત દસ વર્ષના એકધારા શાસનને પરિણામે દસ વર્ષ દરમિયાન દૂભાયેલા મતદાતાઓ અને આગેવાનો- આવી સેંકડો બાબતો એમ પણ સાબિત કરી શકે કે, 2019 અને 2024 અલગઅલગ સમય છે. આ પ્રકારની પરિસ્થિતિઓમાં પ્રદેશ અધ્યક્ષ ઈતિહાસ સર્જવા માટે રાતદિવસ એક કરી રહ્યા હતાં ત્યાં જ રાજ્યમાં રૂપાલા વિવાદ પેદાં થયો અને રાજનીતિમાં ઝડપી પ્રવાહો, ઉપર તથા સપાટી નીચે, વહેવા શરૂ થયા.
એ વધારાનો અપસેટ પૂરવાર થઈ શકે. આ પ્રકારના સંજોગો વચ્ચે મોદીમેજિક કેટલો અસરકારક સાબિત થશે ? એ પ્રશ્ન બધે જ ચર્ચાઈ રહ્યો છે. કેમ કે, ઉમેદવાર કોણ છે, એ જોવાનું નથી, એમ ખુદ પ્રદેશ અધ્યક્ષ કહે છે. અને, પ્રદેશ અધ્યક્ષ ઈતિહાસ સ્થાપવા, આ સ્થિતિઓમાં સક્ષમ નીવડી શકશે ? એવો પ્રશ્ન પક્ષની બહાર તો ઠીક અંદર પણ પૂછાઈ રહ્યો છે, કારણ કે આ વખતે એક વધારાનો મુદ્દો એ છે કે, વિપક્ષો વેરવિખેર નહીં, એકજૂથ છે. આ સ્થિતિમાં ભાજપા માટે હેટ્રીક શક્ય બની શકે કે કેમ ? તેનો જવાબ 4 જૂને, આજે 4 એપ્રિલ. 60 દિવસમાં પવનની દિશા અને ગતિ- કોઈના અંકુશમાં ન પણ હોય. અને, એક એક મતદાતાઓના મનનો એક્સ રે યંત્ર પર ન કાઢી શકાય. મતદાતાઓ મનની વાત, માત્ર એક જ આંગળીએ બટનને કહેતાં હોય છે. ત્યાં સુધી ભર્યું નાળિયેર.