Mysamachar.in:મહેસાણા:
આમ તો બધાને ખબર છે કે આપણું ગુજરાત રાજ્ય ડ્રાયસ્ટેટ છે એટલે કે અહી દારુબંધી છે છતાં પણ દારુ પીવાઈ અને વેચાણ થાય કે નવી બાબત નથી, પણ હદ તો ત્યારે થઇ ગઈ કહેવાય કે રાજ્યના શાશકપક્ષના ધારાસભ્યને પોલીસ સ્ટેશન પહોંચીને દારુ બંધ કરાવવા માટે રજૂઆત કરવી પડે તે કેવું અચરજ પમાડનારું કહેવાય…વાત છે મહેસાણા જિલ્લાની જ્યાં કડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કરશન સોલંકીએ નંદાસણ પોલીસ સ્ટેશન પહોંચીને દારુ બંધી માટે થઈને રજૂઆત કરી છે.
ધારાસભ્ય કરસન સોલંકી ભાજપના ધારાસભ્ય છે, જેમણે ખુદ કડી તાલુકાના નંદાસણ પોલીસ મથકે પહોંચી દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ તેમજ જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટેની તીવ્ર રજૂઆત કરી હતી. કરસન સોલંકીએ ખુલ્લેઆમ ચાલતા દારૂના વેપાર-ધંધાને બંધ કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, SP અને PIને રજૂઆત કરી છે તેમજ આગામી સમયમાં તેઓ રાજ્યપાલને પણ આ બાબતે પત્ર લખી રજૂઆત કરશે એવું જણાવ્યું હતું. ત્યારે ભાજપના MLAએ દારૂબંધી સામે સવાલ ઉઠાવતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
ધારાસભ્ય કરસન સોલંકીએ સ્થાનિક મીડીયાકર્મીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર નંદાસણ નહીં, પરંતુ બધી જગ્યાએ હું ફરું છું, બધે જ દારૂનો વેપાર-ધંધો ચાલી રહ્યો છે. આ બાબતે PI તેમજ SP સાહેબને રજૂઆત કરી છે કે કડી તાલુકા તેમજ વિધાનસભા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, એ બધી જ જગ્યાઓ તેમજ દારૂના ધંધાઓ બંધ કરાવવા માટે રજૂઆત કરવા માટે આવ્યો હતો.