Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. બીજી બાજુ, શાસકપક્ષના મોવડીઓ કોને ટિકિટ આપશે ? અને, કોની ટિકિટ કાપશે ? એ ચર્ચાએ ભારે ઉત્તેજના જગાવી છે. દરમિયાન, હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જાહેર થતાં, ત્યાં ભાજપાએ ચોક્કસ ફોર્મ્યુલાને આધારે ઉમેદવારોને ટિકીટની ફાળવણી પ્રક્રિયા હાથ ધરી છે. ત્યાં ફોર્મ્યુલા એવી રાખવામાં આવી છે કે, મોટી ઉંમરના ઘણાં ધારાસભ્યો અને નેતાઓની બાદબાકી કરવામાં આવી છે. કેટલાંક ધારાસભ્યોનાં મતવિસ્તારો બદલી નાંખવામાં આવ્યા છે. અને, કોન્ગ્રેસમાંથી ભાજપામાં આવેલાં કેટલાંક નેતાઓને પણ ટિકીટ આપવામાં આવી છે.
ધારો કે, હિમાચલની આ ફોર્મ્યુલા ગુજરાતમાં ભાજપા દ્વારા લાગુ કરવામાં આવે તો, ગુજરાત ભાજપાનાં સંખ્યાબંધ વરિષ્ઠ આગેવાનોની ટિકીટ કપાઈ જાય. આ ઉપરાંત ધારો કે, વર્તમાન ધારાસભ્યોને કોઈ અન્ય વિસ્તારમાં ટિકિટ આપવામાં આવે તો, નવેસરથી કેવડું તંત્ર ગોઠવવું પડે ?! વગેરે ચર્ચાઓ શરૂ થઈ શકે. અને, અન્ય પક્ષમાંથી આવેલાં નેતાઓને તો સાચવવા જ પડે ! ટૂંકમાં, આગામી દિવસોમાં ભાજપા દ્વારા ગુજરાતમાં શું ફોર્મ્યુલા લાવવામાં આવે છે ? તેનાં પર સૌની નજર છે. કદાચ, એવું પણ બને કે – કોઈ જ ફોર્મ્યુલા નહીં, જિતીને સિકંદર પૂરવાર થઈ શકે તેવાં બળુકા ઉમેદવારો જ મેદાનમાં ઉતારવા, એ પ્રકારની વિનીંગ ફોર્મ્યુલા પણ આવી શકે ! કેમ કે, આ જંગ ઘણી બધી રીતે અનોખો અને મહત્વનો છે.