Mysamachar.in-ગુજરાત:
ગુજરાત અને દેશભરમાં રાજકીય પક્ષોને વિવિધ ટ્રસ્ટો અને સંસ્થાઓ તથા કોર્પોરેટ ગૃહો તરફથી ઉપરાંત વ્યક્તિગત રીતે પણ ચિક્કાર દાન મળતું હોય છે. આ માટે ઈલેકટોરલ બોન્ડસ સહિતનાં કાયદેસરના વિકલ્પો આપણી વ્યવસ્થામાં ઉપલબ્ધ છે. દાનની આ રકમ પૈકી મોટાભાગની રકમ BJPની તિજોરીમાં જમા થઈ હોવાનું ADR નો એક લેટેસ્ટ રિપોર્ટ જણાવે છે. આજે સોમવારે સવારે જાહેર થયેલો ADR(એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ-એક સ્વૈચ્છિક સંસ્થા)નો એક રિપોર્ટ જણાવે છે કે, ઈલેકટોરલ બોન્ડસ મારફત રાજકીય પક્ષોને મળેલાં કુલ દાન પૈકીનું 94 ટકા દાન BJPને મળ્યું છે. રિપોર્ટ લખે છે: માર્ચ-2018થી ઓક્ટોબર-2022 દરમિયાન રાજકીય પક્ષોને કુલ રૂ. 174 કરોડનું દાન પ્રાપ્ત થયું. જે પૈકી રૂ. 163 કરોડનું દાન BJP ને મળ્યું છે.
આ રિપોર્ટ અનુસાર, કોન્ગ્રેસને રૂ. 10.5કરોડ તથા આમ આદમી પાર્ટીને રૂ. 32 લાખનું દાન મળ્યું છે. અન્ય રૂ. 20 લાખનું દાન અન્ય પક્ષોનાં ભાગે ગયું છે. 2017/18થી અત્યાર સુધીમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા રાજકીય પક્ષોને કુલ 1,571 ડોનેશન આપવામાં આવ્યા છે જે પૈકી લગભગ 65ટકા એટલે કે, 1,519 ડોનેશન ભાજપાને મળ્યા છે. ADR દ્વારા ગાંધીનગર SBI માં RTI હેઠળ અરજી કરવામાં આવી હતી. આ અરજીના જવાબમાં બેંકે જણાવ્યું છે કે – કુલ 595 બોન્ડનું વેચાણ થયું હતું જેની કુલ રકમ રૂ. 343 કરોડ થાય છે. આ બોન્ડસ પૈકી 137 બોન્ડ એપ્રિલ-2019 માં ખરીદવામાં આવેલાં જેની રકમ રૂ. 87.5 કરોડ હતી. સરેરાશ જોઈએ તો બોન્ડ ખરીદનારાઓએ (દાન આપવા)રૂ. 10લાખના મૂલ્યથી માંડીને રૂ. 1કરોડની કિંમતના બોન્ડસ ખરીદ્યા હતાં.
સમગ્ર દેશમાં કુલ રૂ. 4,014.58કરોડનુ કોર્પોરેટ દાન રાજકીય પક્ષોને પાછલાં પાંચ વર્ષમાં મળ્યું. જે પૈકી રૂ. 174 કરોડનું દાન ગુજરાતમાંથી આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાંથી કુલ 6 કંપનીઓએ રૂ. 74.3કરોડના મૂલ્યના પ્રૂડેન્ટ ઈલેકટોરલ બોન્ડસ ખરીદ્યા હતાં.






