Mysamachar.in-ગાંધીનગર:
રાજકીય પક્ષો આધુનિક સમયને ધ્યાનમાં રાખીને પોતાના ચૂંટણી પ્રચારના અભિગમમાં પણ નીતનવા પ્રયોગો કરી રહ્યા છે અને મતદારોને આકર્ષવા માટે પ્રચારના નવા નુસ્ખાઑ અજમાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને બંને મુખ્ય પક્ષોએ પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. તેવામાં ભાજપ દ્વારા ૨૬ લોકસભાની સીટો પર પોતાના ઉમેદવારની તરફેણમાં મતદારોને આકર્ષવા માટે જાદુગરની ટીમ ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે આ જાદુનો પ્રયોગ ભાજપ માટે કેટલો અસરકારક સાબિત થશે તે જોવાનું રહ્યું,
એક અહેવાલ મુજબ ભાજપ દ્વારા ગત વિધાનસભાની ચુંટણીમાં પણ પહેલી વખત જાદુના ખેલ કરીને મતદારોને આકર્ષવા માટે પ્રચાર કર્યો હતો અને ગામેગામ આ જાદુના ખેલથી ભાજપનો પ્રચાર કરવામાં આવ્યો હતો, જે ધ્યાને લઈને આ વખતે પણ સરકારની કામગીરીથી મતદારોને અવગત કરવા ભાજપે જાદુગરોની ટીમો ઉતારી છે.
ત્યારે જાદુગરની ટીમ દ્વારા તમામ લોકસભાના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને જાદુના ખેલ કરીને કેન્દ્ર સરકારની માહિતી મતદારો સુધી પહોંચાડશે. ઉપરાંત “ફીર સે એક બાર મોદી સરકાર”, “મે ભી ચૌકીદાર” થીમવાળા એલઈડી 52 રથો લોકસભા મતવિસ્તારમાં મોકલવામાં આવ્યા છે,જેમાં વડાપ્રધાનના વિડિયોને પણ સામેલ કરવામાં આવ્યો છે અને જાદુગરની ટીમ તેમજ હાઈટેક પ્રચાર ગામડાઓમાં, શેરી-ગલીઓમાં, મોલ, જાહેર સ્થળો વગેરે કરવામાં આવશે.જે ખાસ કરીને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.