Mysamachar.in:ગાંધીનગર:
16મી માર્ચે ગુજરાત સહિત દેશભરમાં ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ, ગુજરાતમાં 7 મે લોકસભા ચૂંટણી મતદાનની તારીખ પણ જાહેર થઈ ગઈ. અને, 4 જૂન દેશભરમાં મતગણતરી થશે. આમ છતાં ગુજરાતમાં હજુ ભાજપ અને કોંગ્રેસ કુલ 11 બેઠકો પર ઉમેદવાર શોધી શક્યા નથી, સ્થાનિક સમીકરણો હજુ ફાઈનલ થયા નથી.
ભાજપાએ ગુજરાતમાં 26 પૈકી 22 ઉમેદવાર જાહેર કરી દીધાં છે પરંતુ એમના માટે 4 બેઠક પર ઉમેદવારની પસંદગીઓ કઠણ દેખાઈ રહી છે. કેમ કે, મહેસાણામાં કયુ પતું ઉતરવું ? તેનો જવાબ મેળવવો અઘરો છે. અહીં નીતિન પટેલનું વર્ચસ્વ છે. જે પક્ષને કદાચ નડી રહ્યું છે. એ જ રીતે જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી- સૌરાષ્ટ્રના આ 3 સેન્ટર ભાજપ માટે કોયડો બની ગયા છે, કેમ કે પક્ષ માત્ર જિતવા ઈચ્છતો નથી, પાંચ પાંચ લાખથી વધુની લીડ પણ મેળવવી છે, કોઈ મતદાર વર્ગને નારાજ કરવો પોસાય નહીં. આથી ઉમેદવારોની પસંદગીઓ અઘરી બની રહી છે.
કોંગ્રેસમાં પણ કઠણાઈઓ છે. કારણ કે, પક્ષ પાછલી બે ચૂંટણીઓ દરમિયાન રાજ્યમાં એક પણ બેઠક પર ખાતું ખોલાવી શક્યો નથી. આ સ્થિતિમાં ઉમેદવારોને લોકસભા લડવા તૈયાર કરવા અઘરૂં તો છે જ, આમ છતાં પક્ષે 26 પૈકી 19 ઉમેદવાર શોધી લીધાં છે. 7 બેઠક પર મંથન ચાલુ છે. આમ તો કોંગ્રેસ દ્વારા કુલ 20 ઉમેદવાર જાહેર કરી દેવામાં આવેલાં પરંતુ અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ તો પક્ષમાંથી જ રાજીનામું આપી દીધું. એટલે હવે કોંગ્રેસે ફરી ઉમેદવાર શોધવો પડશે. જે અઘરૂં છે. કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં હજુ મહેસાણા, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને નવસારી બેઠકોના ઉમેદવાર શોધવાના બાકી છે.
જામનગર લોકસભા બેઠક પર આ વખતે નવાજૂની થઈ છે. છેલ્લે 2009માં આ બેઠક પર ભાજપાના પટેલ ઉમેદવાર રમેશ મુંગરા સામે કોંગ્રેસના આહિર ઉમેદવાર વિક્રમ માડમનો વિજય થયેલો. ત્યારબાદ 2014 અને 2019માં આ બેઠક પર આહિર વિરુદ્ધ આહિરનો જંગ રહેલો. ફરી 15 વર્ષ બાદ અહીં આહિર વિરુદ્ધ પાટીદાર જંગ ખેલાશે. આ વખતે પાટીદાર ચહેરો કોંગ્રેસ પાસે છે. ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવિયા વચ્ચે સીધી ફાઈટ છે. તેની સામે નોંધપાત્ર બાબત એ છે કે, કોંગ્રેસના આહિર નેતાઓને ભાજપમાં લાવવાની ગતિવિધિઓ તેજ ગતિથી આગળ વધી રહી છે. બીજી તરફ ભાજપના શહેર અને જિલ્લાના પ્રમુખો પાટીદાર છે, આ સ્થિતિમાં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર કેટલો સક્ષમ દેખાવ કરી શકશે, એ પ્રશ્નનો ઉત્તર ચાર જૂને મળશે. આહિર મતો સંગઠિત કરવામાં આવી રહ્યા છે, પાટીદાર મતો સંગઠિત થવા સામે સવાલો જોવા મળે છે. અને આહિર વિરુદ્ધ પાટીદારના આ વખતનાં જંગમાં અન્ય જ્ઞાતિઓનાં મતદારો ભાજપ સાથે જ રહેશે ? કે, કોંગ્રેસ તરફ નમી શકે છે ? એ પ્રશ્નનો ઉત્તર પણ સમય જ આપી શકે. આમ પંદર વર્ષ બાદ અહીં બે મોટી જ્ઞાતિઓ વચ્ચે જંગ મંડાયો છે. જેથી પરિણામ રસપ્રદ હશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ બેઠક પર મુસ્લિમ મતદારો સૌથી વધુ છે.