Mysamachar.in-ગાંધીનગર:
કોઈ પણ શહેર કે જિલ્લાઓમાંથી પસાર થતાં રસ્તાઓની સ્થિતિઓ ચકાસવાની અને રસ્તાઓને સારી સ્થિતિઓમાં રાખવાની જવાબદારીઓ સ્થાનિક કક્ષાએ સૌ સંબંધિતોને સોંપાયેલી છે જ, આમ છતાં અમદાવાદ સહિતના શહેરોમાં તથા ધોરીમાર્ગોની નબળી સ્થિતિઓ સંબંધે ગઈકાલે બુધવારે કેબિનેટ બેઠકમાં આ મામલે ખુદ CMને દરમ્યાનગીરી કરવી પડી ! એ શું દર્શાવે છે ?!
બુધવારની કેબિનેટ બેઠકમાં રાજ્યના બિસ્માર રસ્તાઓની સ્થિતિઓ અંગે ચર્ચાઓ કરવી પડી, કારણ કે આ મામલો રાજ્યભરમાં ગાજી રહ્યો છે. આ ચોમાસામાં અસંખ્ય રસ્તાઓની હાલત ભંગાર છે. લાખો વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. તૂટેલાં રસ્તાઓને કારણે વાહનોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. અકસ્માતો થઈ રહ્યા છે. અકસ્માતો કેટલાંક કિસ્સાઓમાં જિવલેણ પણ સાબિત થતાં હોય છે. આ બધી જ બાબતો અંગે કેબિનેટમાં ચિંતાઓ વ્યક્ત થઈ.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, દરેક જિલ્લાઓમાં મંત્રીઓ, જિલ્લા પ્રભારીઓ અને પ્રભારી સચિવોએ ધ્યાન આપવાનું રહેશે. જરૂર જણાય ત્યાં, સમીક્ષાબેઠક પણ કરવાની રહેશે. વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાયા છે. અનેક રસ્તાઓના કામો ચાલુ છે. સ્થાનિક સ્તરે ધ્યાન આપવામાં આવતું નથી. પરિણામે, આ મુદ્દો છેક કેબિનેટ બેઠક સુધી પહોંચી ગયો. આ બધી સ્થિતિઓ જાણ્યા બાદ મુખ્યમંત્રીએ મંત્રીઓ, પ્રભારીમંત્રી અને પ્રભારી સચિવોને સૂચનાઓ આપી છે કે, સ્થાનિક વહીવટીતંત્ર- કોર્પોરેશનો અને માર્ગ મકાન વિભાગ સાથે સંકલન કરી આ સમસ્યાઓ દૂર કરવી જોઈએ.