Mysamachar.in-જૂનાગઢઃ
હવામાન વિભાગે પણ હવે સત્તાવાર રીતે ચોમાસાની વિદાઇને લઇને આગાહી કરી દીધી છે, રાજ્યમાં આ વખતે ચોમાસાએ ધરતીના તાતને ખુશ કરી દીધા છે. ચારેય બાજુ વનરાઇઓ સોળેકળાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને વન્ય વિસ્તારોમાં ચારેય બાજુ હરિયાળી જ જોવા મળી રહી છે. એવામાં દુનિયાભરમાં એશિયાટીક સિંહો માટે પ્રસિદ્ધ ગીર નેશનલ પાર્ક અંદાજે ચાર મહિનાના લાંબા વેકેશન બાદ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. વરસાદને કારણે વન્ય જીવોને દખલ ન પડે તે માટે ગીર ફોરેસ્ટમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. હવે વરસાદ રોકાતા ફરી સિંહ દર્શન શરૂ કરાશે.
ચોમાસાની ઋતુ દરમિયાન વન્ય જીવો જંગલની અંદર આરામ કરતાં હોય છે. એટલું જ નહીં આ દરમિયાન તેઓ પરિવાર સાથે એકાંત માણવાનું વધુ પસંદ કરતાં હોય છે, આથી તેમને કોઇ દખલ ન કરે તે માટે વન વિભાગ દ્વારા જંગલમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. જો કે હવે ચોમાસું પૂર્ણ થતાં જ જંગલના રાજાના દર્શન કરવા માટે 16 ઓક્ટોબરથી ગીર સેન્ચુરી અને નેશનલ પાર્ક વાઇલ્ડલાઇફ ડિવિઝન સાસણ દ્વારા સિંહદર્શનની પ્રક્રિયા શરૂ કરાશે. થોડા સમયમાં જ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, રજામાં લોકો ગીર અભ્યારણ્ય જોવા માટે મોટા પ્રમાણમાં ઉમટી પડશે તેવી આશા વન વિભાગ સેવી રહ્યું છે. સિંહોનું વેકેશન પૂર્ણ થતાં સિંહ દર્શન માટે 16મી ઓક્ટોબરે સવારે 6 વાગ્યે પ્રથમ ટ્રીપ રવાના થશે.