Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરમાં રોજ લાખો ભક્તો દર્શન કરે છે. અને કરોડો ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે, ત્યારે જગત મંદિર દ્વારકાના શિખરે ધ્વજા ચઢાવવાનું અનેરુ મહત્વ ભક્તોને હોય છે. અહી મંદિરના શિખર પર રોજ 5 ધ્વજા ચઢતી હોય છે, જો કે દ્વારકાધીશ મંદિરના ધ્વજા ચઢાવવાનો નિયમ બદલાયો છે. હવેથી જગત મંદિરમાં દૈનિક 5 નહિ, પરંતુ 6 ધ્વજા ચઢાવવામાં આવશે. યાત્રાધામ દ્વારકાનાં પ્રસિદ્ધ જગત મંદિર પર હવેથી પ્રતિદિન 6 વખત ધ્વજારોહણ થશે. આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય છે, જે ગઈકાલે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની બેઠક બાદ લેવાયો છે.
દેવસ્થાન સમિતિ તથા ગૂગળી જ્ઞાતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે, આજથી 12 જુલાઈથી જગત મંદિર દ્વારકામાં દરરોજ 6 ધ્વજાજી ચઢશે. જેથી હજારો ભક્તો હવેથી 6 ધ્વજાનો લાભ મળશે. જેથી હવે યાત્રિકોને મંદિરમાં ધ્વજા ચઢાવવા માટે વિલંબ નહિ પડે. અને વેઈટીંગ લીસ્ટ આપોઆપ ઘટી જશે… દેવસ્થાન સમિતિના આ નિર્ણયથી ભક્તોમાં ખુશી છવાઈ છે. માત્ર બિપોરજોય વાવાઝોડાને કારણે મંદિરમાં કેટલીક ધ્વજા ચઢી ન હતી, જેથી બાકીની ધ્વજા ચઢાવવા માટે 5 ને બદલે 6 ધ્વજા ચઢાવવાનો નિર્ણય કરાયો હતો. જે હવે કાયમી રાખવામાં આવ્યો હોવાનું સતાવાર રીતે જાહેર થયું છે.
આ અંગે દ્વારકા માહિતી વિભાગ દ્વારા આજે બુધવારે જે સતાવાર યાદી જાહેર કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરના શિખર પર હવેથી 6 ધ્વજારોહણ કરવાનો તા.11/07/2023ના રોજ જિલ્લા કલેકટર તેમજ શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ચેરમેન અશોક શર્માના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં પ્રાંત અધિકારી દ્વારકા અને વહીવટદાર પાર્થ તલસાણીયા તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
તા.11/07/2023ના રોજ શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં જગત મંદિરમાં છઠ્ઠી ધ્વજારોહણ કરવા બાબતે તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ગૂગળી બ્રાહ્મણ સમાજ દ્વારા છઠ્ઠી ધ્વજા ચડાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત પર સમિતિ દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે. જેનાથી ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરે ધ્વજા ચડાવવા માંગતા ભાવિકોને આ લાભ મળતો થશે.
– ધ્વજા ફાળવણી અંગે ઓનલાઈન પોર્ટલ પણ શરુ થશે…
દેશ વિદેશમાં વસતા ભગવાન શ્રી દ્વારકાધીશના ભાવિકોની સુગમતા અને પારદર્શકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી ધ્વજાની ફાળવણી ઓનલાઇન પોર્ટલ દ્વારા થાય તે બાબતે પણ ચર્ચા કરી નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ગૂગળી બ્રાહ્મણ સમાજ સાથે પરામર્શમાં રહી 1 નવેમ્બર, 2023થી આ પોર્ટલ શરૂ થાય તેવી વિચારણા કરવામાં આવી છે. હાલમાં ચડાવવામાં આવતી પાંચમી ધ્વજા અને મંજૂર થયેલી છઠ્ઠી ધ્વજા માસિક ડ્રો દ્વારા ફાળવવામાં આવશે. આ ડ્રો દર મહિનાની 20મી તારીખના શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના સભ્ય રમેશભાઈ હેરમા અને મુરલીભાઈ ઠાકર તેમજ કમલેશભાઈ શાહની હાજરીમાં ગૂગળી બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવે તેમ નક્કી કરાયું છે.
આ વ્યવસ્થા ઓનલાઈન પોર્ટલ કાર્યરત થવા સુધી ચાલુ રહેશે અને પોર્ટલ શરૂ થયેથી તમામ ધ્વજાની ફાળવણી પોર્ટલ મારફતે કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ભાવિકોને સુગમતા રહેશે અને ધ્વજાની ફાળવણી વધુ પારદર્શક રીતે થશે તે બાબતે મિટિંગમાં સર્વ સંમતી સાધવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.