Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર હાલારમાં ભૂતકાળમાં VAT કચેરી માલામાલ હતી, આજે વર્ષોથી GST કચેરીને પણ મોજ હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કારણ કે, સરકારી ઓફિસમાં સર્વત્ર શાંતિ અને સબ સલામતની સ્થિતિઓ સર્જી, શહેરના ધમધમતા વિસ્તારમાં પેરેલલ ઓફિસ ચલાવવાનો મોટો ખેલ એક એવા ‘ચતુર’ હસ્તક ચાલી રહ્યો છે, જેણે ભૂતકાળમાં આ જ કચેરીમાં ‘બનાવટી કાગળો’નો ખેલ પાડેલો અને તેમાંથી હેમખેમ બહાર આવી જવાની તેની ચાલાકી જેતે સમયે સફળ પણ રહેલી. આ ‘કવોલિફિકેશન’ ને કારણે આજે આ ચતુર ‘માલ’ બનાવે છે, એમ સૂત્ર ઉમેરે છે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, GST ના અમલના વર્ષો અગાઉ VAT ના જમાનામાં, આશરે અગિયાર-બાર વર્ષ અગાઉ, આ કચેરીમાં જબરો ખેલ પડ્યો હતો. એક ચતુરે તથા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના બંધુએ, એક તોતિંગ પાર્ટી માટે ‘ગોઠવણ’ કરેલી, મામલો કરોડોનો હતો એટલે ચતુરે સંબંધિત અધિકારીઓને બચાવી લેવા, બધું પોતાના માથે લઈ, બનાવટી કાગળો કર્યા અને તેમાં સરકારી સિક્કા પણ બનાવટી લગાવ્યા. તોતિંગ પાર્ટીએ ગેરલાભ ઘરભેગો કરી લીધો.
પછી, એક ઓનેસ્ટ અધિકારીએ આ ટોળકીને દમદાટી આપી કે, બધાંને ઉઘાડા પાડીશ, આ દમદાટી મળતાં જ ચતુરે આખું સેટીંગ જેતે સમયે અમદાવાદ જઈ સુલટાવી લીધું અને સરકાર સાથે છેતરપિંડીઓ અને બનાવટી સરકારી દસ્તાવેજ કરવા જેવા ગંભીર ગુનાઓ છતાં, FIR જ ન થાય, એવી ગોઠવણ કરી લીધી. એમ કહેવાય છે કે, ભૂતકાળના આ કવોલિફિકેશન અને સફળતાને કારણે આ ચતુર આજે શહેરમાં ‘પેરેલલ ઓફિસ’ ચલાવવા જેટલો શક્તિશાળી બની ગયો છે.
પરંતુ આખી કહાનીમાં ટ્વીસ્ટ હવે આવ્યો, કારણ કે અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે- જામનગરની આ પેરેલલ ઓફિસનો ‘અણસાર’ છેક વડી કચેરીએ GST ના જોઈન્ટ કમિશ્નર સુધી પહોંચી ગયા છે. ધારો કે આ વડા અધિકારીના હાથમાં આ ચતુરની કરમ કુંડળી આવી ગઈ, તો ?! અને એમ પણ કહેવાય છે કે, જોઈન્ટ કમિશ્નર આ ઓપરેશન કરવા અંગે અતિ આતુર છે, બસ એમને જોઈએ છે- ચતુરનું ખરૂં નામ. સૂત્રએ આપેલી આ સંવેદનશીલ કહાની જો ઉપલા લેવલેથી હકીકત સાબિત થઈ તો, જામનગર સહિત સમગ્ર હાલારમાં GST જગતમાં ભૂકંપ સર્જાવાની સંભાવનાઓ સપાટી પર આવી છે.(symbolic image)