Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં દુષ્કર્મનો વધુ એક મામલો સામે આવતાં ખળભળાટ એટલાં માટે મચી ગયો કેમ કે, આ મામલામાં આરોપી તરીકે એક અધિકારીનું નામ છે અને ફરિયાદી મહિલા આ અધિકારીના તાબા હેઠળની સરકારી કચેરીના એક કોન્ટ્રાક્ટરની પત્ની છે. આ મામલામાં અધિકારીએ આ મહિલા સાથે પાંચથી છ વખત શરીરસંબંધ બાંધી લીધો હતો- એવી પણ એક વાત છે.
આ મામલો જામનગર વીજકચેરી સાથે સંબંધિત છે. વીજકચેરીના એક તત્કાલીન અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થઈ છે. જો કે આ મામલામાં ગુના બનાવ સ્થળ ધ્રોલ હોવાથી, ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર, દુષ્કર્મની આ ફરિયાદ ગત્ શનિવારે દાખલ થઈ ગઈ છે.
પોલીસ સૂત્ર કહે છે: ભૂતકાળમાં 2021થી 2024 દરમિયાન આ મામલાના આરોપી અધિકારી જામનગર વીજસર્કલ કચેરીમાં ફરજ બજાવતા હતાં. તે સમયે વીજતંત્રનો એક પેટા કોન્ટ્રાક્ટર કોઈ ગુનાસર જેલમાં હતો. આ પેટા કોન્ટ્રાક્ટરે વીજતંત્રનું કોઈ કામ કરેલું હોય, પેટા કોન્ટ્રાક્ટરે તંત્ર પાસેથી બિલના નાણાં લેવાના થતાં હતાં. આ સમય દરમિયાન પેટા કોન્ટ્રાક્ટર જેલમાં હોવાથી પેટા કોન્ટ્રાક્ટરના પત્ની, વીજતંત્રના આ આરોપી અધિકારી પાસે નાણાં બાબતે ગયેલાં. તે દરમિયાન કોઈ લોભ લાલચ જેવા કારણોસર આ આરોપી અધિકારી અને આ ફરિયાદી પરણીતા કોઈ રીતે એકમેક નજીક આવી ગયા. તે દરમિયાન, આ ફરિયાદી પરણીતા અને આ આરોપી અધિકારી વચ્ચે કહેવાય છે કે, પાંચ છ વખત શરીરસંબંધ બંધાયો. જેની ફરિયાદ ગત્ શનિવારે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ.
આ ફરિયાદમાં આરોપી તરીકે હિતેન્દ્રસિંહ દીલિપસિંહ રાણા નામના અધિકારીનું નામ જાહેર થયું છે. આ અધિકારી હાલ રાજકોટ વીજતંત્રમાં નોકરી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. જામનગર વીજતંત્રમાં તેઓ જેતે સમયે આસિસ્ટન્ટ સેક્રેટરી અને હાલ તેઓ રાજકોટ વીજતંત્રમાં ઈન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફિસર હોવાનું જાણવા મળે છે- આ અધિકારીએ ફરિયાદી સાથે જેતે સમયે ગેરકાયદેસર ‘રિલેશન’ બાંધી લીધાના મામલે આ ફરિયાદ થઈ હોવાનું બહાર આવ્યું છે. દુષ્કર્મની આ ફરિયાદને કારણે ધ્રોલ સહિત સમગ્ર જામનગર જિલ્લામાં અને રાજકોટમાં પણ ચકચાર મચી હોવાનું બહાર આવ્યું છે. આ મામલાની તપાસ ધ્રોલ PI એચ.વી.રાઠોડ હસ્તક છે અને તેઓ દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં આરોપીની અટકાયત થઈ જશે, એવું પણ જાણવા મળે છે.