Mysamachar.in-
સામાન્ય નાગરિક જાણે અને સમજે છે કે, જેવું કામ એ પ્રમાણે લાંચના ભાવ હોય અને જે કામ પાટનગરથી જ પતે એમ હોય, એમાં ‘ભાવ’ ઉંચા ભરવા પડે. આ પ્રકારના એક છટકામાં રાજ્યના આરોગ્ય વિભાગનો એક ઉચ્ચ અધિકારી તથા તેનો ‘દલાલ’ જે પણ નિવૃત અધિકારી છે- તે બંને લાંચના છટકામાં સપડાઈ ગયા છે.
આ મામલાની ACB એ જાહેર કરેલી વિગતો આ પ્રમાણે છે: આ કેસના ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર હતાં. ત્યારે, તેમણે બોગસ મેડિકલ પ્રેક્ટિસ સંબંધે આરોગ્ય વિભાગના સ્ટાફ વિરુદ્ધ કાર્યવાહીઓ કરી હતી. શિક્ષાત્મક પગલાંઓ લીધાં હતાં. ત્યારબાદ, રાજ્યના આરોગ્ય વિભાગ સમક્ષ આ ડેપ્યુટી ડાયરેક્ટર (ફરિયાદી) વિરુદ્ધ ખંડણીની ફરિયાદ થયેલી. આ ફરિયાદ બાદ આ ડેપ્યુટી ડાયરેક્ટર અને તેમના એક સાથી ડોક્ટર વિરુદ્ધ ખાતાકીય તપાસ થયેલી અને તેનો રિપોર્ટ ગત્ જાન્યુઆરીમાં રાજયકક્ષાએ જમા કરાવવામાં આવ્યો.
ત્યારબાદ, અમદાવાદની અસારવા ખાતેની સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીન ગિરીશ પરમારે વચેટીયા તરીકે ભાવનગરના આ ડેપ્યુટી ડાયરેક્ટરનો સંપર્ક કર્યો અને કહ્યું કે, તમારી વિરુદ્ધની જે ખાતાકીય તપાસ થઈ છે તેમાં તમારી ‘તરફેણ’માં વાત બની શકે એમ છે. અને એ માટે તમારે રાજ્યના અધિક સચિવ (આરોગ્ય) દિનેશ પરમાર સાથે ‘બેસવું’ પડે.
ત્યારબાદ, આ ડેપ્યુટી ડાયરેક્ટર તથા તેના સાથી ડોક્ટર ગાંધીનગર ગયા અને આ લાંચકાંડના મુખ્ય આરોપી આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને ગિરીશ પરમાર સાથે ‘બેઠાં’. રૂ. 30 લાખની લેતીદેતીની વાત થઈ. રૂ. 15 લાખ હમણાં અને બાકીના રૂ. 15 લાખ કામ પતે પછી- એવો વાયદો થયો. પરંતુ આ લાંચકાંડના ફરિયાદી (ડેપ્યુટી ડાયરેક્ટર) લાંચ આપવા ઈચ્છતા ન હતાં, આથી તેમણે ACBનો સંપર્ક કર્યો. છટકું ગોઠવાયું અને વચેટિયો ગિરીશ પરમાર રૂ. 15 લાખ, લાંચપેટે સ્વીકારતા ઝડપાઈ ગયો. તેણે આ લાંચનો હપ્તો, અધિક સચિવ દિનેશ પરમાર વતી લીધો હોય, ACBએ દિનેશ તથા ગિરીશ પરમાર બંનેને ‘આરોપીઓ’ જાહેર કરતાં ગાંધીનગરમાં માત્ર આરોગ્ય વિભાગમાં જ નહીં, સમગ્ર સચિવાલયમાં સનસનાટી મચી ગઈ છે.આ બાબત પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે રાજ્યના કરોડો લોકોના આરોગ્યને લગતી બાબતોનું જ્યાંથી સંચાલન થાય છે તે આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારમાં કેટલી હદે ગળાડૂબ છે.