Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત ભૂપેંદ્ર પટેલને આજે મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી દર્શના જરદોશ, ભારતીય જનતા પક્ષના મહામંત્રી ઓ બી. એલ. સંતોષ, અરુણ સિંહ, રાજ્ય અને રાષ્ટ્રના આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, તથા શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી તરીકે ના શપથ ગ્રહણ બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી એ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા, મનસુખ ભાઈ માંડવીયા, તેમજ અન્ય મંત્રી ઓ તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સૌએ નવ નિયુક્ત મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ આપી શુભકામના આપી હતી.