Mysamachar.in-ગાંધીનગર
ચૌદમી ગુજરાત વિધાનસભામાં નવમા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં શાસક પક્ષના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ડો.નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી માટે કરેલી દરખાસ્તને શાસકપક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યોએ ઉત્સાહભેર વધાવી લઇને સર્વાનુમતે ટેકો આપીને મહિલા સશક્તીકરણને વધુ પ્રાધાન્ય આપવા એક હકારાત્મક અભિગમની અનોખી પહેલ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે જેમના નામ પરથી ગુજરાત વિધાનસભા ગૃહનું નામકરણ થયેલું છે તેવા અને વર્ષ ૧૯૨૫માં CLAના પ્રથમ સભ્ય એવા માન.વિઠ્ઠલભાઇ પટેલની પણ આજે જન્મતિથિ છે તેવા શુભ દિવસે સભાગૃહે એક નવી ઉજ્જવળ પરંપરાનો પ્રારંભ કરીને ડૉ. નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે વરણી કરી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ડૉ.નીમાબહેન આચાર્યને પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સભાગૃહ વતી અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.
-કોણ છે ડૉ.નીમાબેન આચાર્ય
ડો.નીમાબેન ભાવેશભાઈ આચાર્ય, 3 ભૂજ મત વિભાગ (કચ્છ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 12મી ડિસેમ્બર, 1947ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના નાગનેશ ખાતે થયો હતો. તેઓએ એમ.બી.બી.એસ., ડી.જી.ઓ. અને ગાયનેક ઓબસ્ટ્રેટીક એમ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ વ્યવસાયે ડોક્ટર છે. તેઓ નવમી, અગીયારમી, બારમી અને તેરમી વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, ગ્રામવિકાસલક્ષી પ્રવૃત્તિઓ, રમતગમત પ્રવૃત્તિઓ સહિત અનેક જનહિતલક્ષી કામગીરીમાં શોખ ધરાવે છે.