Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં રહેતી સગીર વયની એક તરુણીને ભોળવીને દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે આરોપી એવા જામનગરના રીક્ષા ચાલક શખ્સને 20 વર્ષની કેદ તથા રૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડ પંથકમાં રહેતી 15 વર્ષ 9 માસની વયની એક સગીરાએ વર્ષ 2020 માં બોર્ડના પરિણામ બાબતે તેણીની સહેલીને મોબાઈલ કરતાં આ ફોન બહેનપણીના બદલે સુરેન્દ્રનગર ખાતે રહેતા વિશાલ નામના એક યુવાનને લાગી ગયો હતો. ભૂલથી લાગી ગયેલા આ કોલ બાદ સગીરા તેમજ વિશાલ વચ્ચે વાતચીત થવા લાગી હતી અને ત્યારબાદ તારીખ 1 જુલાઈ 2020 ના રોજ વિશાલે સગીરાને સુરેન્દ્રનગર આવવા જણાવ્યું હતું. બાદમાં કોઈ કારણોસર વિશાલે તેણીને આવવાની ના કહી દીધી હતી. પરંતુ સગીરાએ એ સમયે ભાણવડ છોડી દીધું હતું.
આ પરિસ્થિતિમાં ગભરાઈ ગયેલી સગીરાએ જો તેણી પરત જાય તો ઘરના સભ્યોના ઠપકાના ડરથી અધવચ્ચે જામનગર બસમાંથી ઊતરી ગઈ હતી અને તેણી સાથેનો ફોન તથા કપડાં કચરા પેટીમાં ફેંકી દીધા હતા. બાદમાં તેણી ચાલીને જતી હતી, ત્યારે હુસેન ઉર્ફે બંબાટ કાસમ નામના એક રીક્ષા ચાલકે તેણીને ઉભી રાખી, રિક્ષામાં બેસવા જણાવ્યું હતું. આપઘાતનો વિચાર કરી ચૂકેલી આ સગીરા ચિંતાગ્રસ્ત જણાતા આ સગીરા બાબતે પૂછપરછ કરી, તેણીને તેનો પ્રશ્ન હલ કરી દેશે તેમ કહેતા સગીરા ભોળવાઈ અને બધી હકીકત રીક્ષા ચાલક હુસેનને જણાવી દીધી હતી.
આથી હુસેને સગીરાને દિલાસો આપી અને અગાઉ પણ તે આ પ્રકારે એક યુવતીને પોતાના ઘરે સહી સલામત પહોંચાડી દીધાનું કહી, બે દિવસ પોતાના રિક્ષામાં ફેરવી હતી અને ત્યારબાદ હુસેને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.આ વચ્ચે સગીરાના પિતા દ્વારા ભાણવડ પોલીસ મથકમાં ગુમનોંધ લખાવી હતી. બાદમાં રીક્ષા ચાલક હુસેન કાસમે સગીરાને દુષ્કર્મ બાબતે કોઈને કંઈ ન કહેવાની ધમકી આપી, તેણીના ઘરે મૂકી ગયો હતો. આ સમગ્ર બાબત સગીરાને તેણીના પરિવારજનો તથા પોલીસ દ્વારા વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરતા આ બાબતે ભાણવડ પોલીસ મથકમાં દુષ્કર્મ તથા પોક્સો એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ અંગે ચાર્જશીટ બાદ આ કેસના 19 સાહેદોની તપાસ તેમજ ખંભાળિયાના સરકારી વકીલ એલ.આર. ચાવડાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી, ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે આરોપી હુસેન ઉર્ફે બંબાટ કાસમને તકસીરવાન ઠેરવી, જુદા જુદા ગુનામાં વીસ વર્ષની સજા તેમજ રૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત સરકારની કમ્પેસેસન સ્કીમ હેઠળ ભોગ બનનાર સગીરાને રૂપિયા પાંચ લાખ ચૂકવવા પણ અદાલતે હુકમ કર્યો છે.