Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં રહેતી એક સગીર વયની તરુણીને અપહરણ કરીને લઈ ગયા બાદ દુષ્કર્મ આચરવાના ચાર વર્ષ પૂર્વેના કેસમાં ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 17,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણ વિગત મુજબ ભાણવડ તાલુકામાં રહેતા એક પરિવારના સદસ્યો ગત તારીખ 25-02-2019 ના રોજ પોતાના ઘરે રાત્રે જમીને સુઈ ગયા બાદ વહેલી સવારે આ પરિવારના મહિલા ઉઠીને જોતા તેઓની આશરે સાડા પંદર વર્ષની સગીર વયની પુત્રી તેમના ઘરે જોવા મળી ન હતી. સગીર પુત્રીની તપાસ દરમિયાન ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા દેવરાજ ઉર્ફે દેવા મનસુખ સોલંકી કે જે અગાઉ તેઓના ઘર પાસે આંટાફેરા કરતો હતો, તે પણ ગામમાં ન હતો અને તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો.
આથી સગીરાના પિતાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસ મથકમાં આરોપી દેવરાજ ઉર્ફે દેવા મનસુખ સોલંકી સામે પોક્સો તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પછી તપાસનીસ ડીવાયએસપી તથા પીએસઆઈ દ્વારા આરોપી અટકાયત કરી, સગીરાની મેડિકલ તપાસણી કરાવતા તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે પોલીસે જુદી જુદી કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી, ભોગ બનનાર તથા મેડિકલ ઓફિસરની જુબાની એફએસએલના રિપોર્ટ સાથે અહીંના જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલી મુદ્દાસરની દલીલોને ધ્યાને લઈને અદાલત દ્વારા આરોપી દેવરાજ ઉર્ફે દેવા મનસુખ સોલંકીને એટ્રોસિટી, દુષ્કર્મ તથા પોક્સો એક્ટની કલમ મુજબ તકસીરવાન ઠેરવ્યો હતો. જેના ચુકાદામાં અદાલતે આરોપીને વીસ વર્ષની સખત કેદ તથા રૂપિયા 17,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ પ્રકરણમાં અદાલતે ભોગ બનનારને સામાજિક આર્થિક તથા માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ. ત્રણ લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.