Mysamachar.in:રાજકોટ
તંત્ર શહેરમાં વિકાસના કામો કે મરામત ના કામો કરે તેનાથી કોઈ વાંધો ના હોય પરંતુ કામો ચાલી રહ્યા હોય ત્યાં સુરક્ષા ના હોય તો રાહદારીઓ, વાહનચાલકો અથવા કામ કરનાર શ્રમિકોનો જીવ જઈ શકે છે, માટે જ પુરતી સેફટી જરૂરી છે, એવામાં આજે રાજકોટમાં બનેલ એક દુઃખદ ઘટનાએ પરિવારનો એક નો એક વહાલસોયો ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર ઓવરબ્રિજ શરૂ થતી જગ્યાએ ઓવરબ્રિજ પર હેવી વાહન ન જાય તે માટે ગડર મૂકવાની કામગીરી ચાલી રહી છે. આ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. આજે સવારના સમયે હર્ષ દાવડા નામનો યુવાન બીજા વાહનને ઓવરટેક કરવા જતો હતો તે સમયે ખાડામાં પટકાયો હતો. ખાડામાં પડતાની સાથે જ યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
બનાવ બનતાની સાથે જ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ખાડામાંથી બહાર કાઢી રિક્ષામાં સરકારી હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર હર્ષ પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો હતો. જેને ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. આ ઘટનાને લઈને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ નિવેદન આપતા જણાવ્યું કે, હાઇટ બેરિયર મૂકવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા..બે બાઈક અથડાયા જેના કારણે યુવાનનું મૃત્યુ થયું. આમ બે બાઈક અથડાયા બાદ યુવાન ખાડામાં પડી ગયો હતો. સ્થળ પર સેફટી રીબીન લગાવી હતી..છતાં સમગ્ર બનાવ અંગે તપાસ કરવામાં આવશે.