Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણકર્તા ભૂમાફિયાઓને ભરી પીવા તંત્રએ કમર કસી છે. ત્યારે ગત શનિવારથી હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલેશન પાર્ટ – 2 માં પ્રાંત અધિકારી તેમજ પોલીસ અધિક્ષકની ડિમોલિશનની સંયુક્ત કાર્યવાહીમાં આજે બુધવારે પાંચમા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશને કામગીરી ચાલુ રહી હતી. જેમાં ગઈકાલે મંગળવારે ચોથા દિવસે ઓખામાં આવેલી દામજી જેટી પાસે જેસીબી મશીનો વાળવામાં આવ્યા હતા.
આ જેટી વિસ્તારમાં સરકારી જમીન પર આશરે 40 વર્ષથી રહેલા અનધિકૃત દબાણને હટાવવામાં આવ્યા હતા. આ જેટી પાસેના વિસ્તારમાં 5650 સ્ક્વેર મીટર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. જેની કિંમત આશરે 6.50 કરોડ જેટલી ગણવામાં આવી રહી છે. કાર્યવાહી પૂર્વે તંત્ર દ્વારા જે-તે આસામીઓને ધોરણસર નોટિસો આપાયા બાદ મંગળવારે દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી.
સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દામજી જેટી ઓખામાં આશરે 6 કરોડની કિંમતની 8000 ચોરસ મીટર જમીન પરના સાત દબાણો તેમજ પંચવટી વિસ્તારમાં ત્રણ અન્ય, બાલાપર ગામમાં 20 મકાન તેમજ હનુમાન દાંડી રોડ પર જુદા જુદા વિસ્તારોમાં મકાન પર અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહીમાં એક દિવસમાં 39 રહેણાંક, 7 કોમર્શિયલ અને 3 અન્ય માળી કુલ 49 બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે એક દિવસમાં કુલ રૂપિયા 12.55 કરોડની કિંમતની 22,638 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ પૂર્વે સોમવારના ઓપરેશન ડિમોલિશનમાં 56 રહેણાંક અને ત્રણ અન્ય સહિત કુલ 59 અનઅધિકૃત બાંધકામ દૂર કરાયા હતા. 26,853 ચોરસ મીટર બાંધકામની જગ્યાની કિંમત 14.95 કરોડ જાહેર કરવામાં આવી છે. આમ, સોમવાર તેમજ મંગળવારના બે દિવસના સમયગાળામાં 95 રહેણાંક સહિત કુલ 108 બાંધકામ દૂર કરાયા હતા.
બેટના બાલાપર વિસ્તારમાં સોમવારે પ્રાંત અધિકારી અમોલ આવટે તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ દબાણ હટાવ ઝુંબેશ અંગેની વિગતો આપતા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી રહેલી એક દરગાહ સંદર્ભે તંત્ર દ્વારા જુલાઈ 2023 માં પ્રથમ નોટિસ બાદ જુલાઈ 2024 માં રિમાઇન્ડર નોટિસ અને શનિવાર તારીખ 11 જાન્યુઆરીના રોજ ફાઈનલ નોટિસ આપવામાં આવી હતી. જેનો કોઈ પ્રત્યુતર ન મળતા આ અંગેના દસ્તાવેજોની ચકાસણી કરાયા બાદ સોમવારે આશરે 1,500 સ્ક્વેર મીટરમાં રહેલી આ દરગાહ સરકારી જગ્યા પર હોવાનું ખુલવા પામ્યું હતું અને આ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જેની બજાર કિંમત રૂપિયા સવા બે કરોડ ગણવામાં આવી રહી છે.
સોમવારે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં બે ધાર્મિક દબાણની સરકારી જમીન પર સરકારી બુલડોઝર ફર્યું હતું. જેમાં અંદાજિત રૂપિયા સવા ત્રણ કરોડની જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી. આ પૂર્વે નિયમ મુજબ ત્રણ નોટિસ તેમજ લાગતા-વળગતાઓ સાથે વાતચીત અને ડોક્યુમેન્ટેશન સંલગ્ન ચર્ચા વિચારણામાં જગ્યાની માલિકી સાબિત ન થઈ શકતા આ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. પ્રથમ ચાર દિવસમાં મેગા ઓપરેશન ડિમોલિશનમાં કુલ રૂપિયા 47.15 કરોડની રહેણાંક , કોમર્શિયલ અને ધાર્મિક સહિત અંદાજિત 86 હજાર ચોરસ મીટરથી વધુ સરકારી જમીન પરનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. આ કામગીરી હાલ બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં ચાલી રહી છે. ત્યારે આગામી દિવસોમાં દ્વારકાના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે.
– અનેક દબાણો 25 થી 40 વર્ષ જૂના: જવાબદાર કોણ..? –
બેટ દ્વારકા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં એક સામાન્ય પ્રશ્ન ભારે ચર્ચામાં છે કે અનેક દબાણો અંદાજિત 25 વર્ષથી ચાર દાયકા જુના હતા. જેમાં નગરપાલિકાના નળ જોડાણ, વીજ જોડાણ વિગેરે પણ મળી ચૂક્યા હતા. તો આટલા વર્ષો સુધી સ્થાનિક તંત્ર શું ઊંઘતું રહ્યું? કે ભાગ બટાઈમાં સામેલ હતા? તેવો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.સરકારના પરિપત્ર મુજબ નાના ગામમાં પણ જમીન દબાણ ન થાય અને સરકારી જમીનો અને ગૌચર બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી સ્થાનિક તલાટી મંત્રીની હોય છે. તો લાખો ચોરસ ફૂટ જગ્યા પર દબાણ કઈ રીતે શક્ય બને તે પણ વિચારવાનો વિષય છે.
બેટ દ્વારકા પંથકમાં ઓપરેશન ડિમોલીશનના બીજા રાઉન્ડમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા તેમજ પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રૂબરૂ દેખરેખ હેઠળ ચાલી રહી છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી. આ કામગીરીનું જિલ્લા કક્ષાએથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. જેને ગૃહ રાજ્યમંત્રીએ પણ બિરદાવી છે.ગઈકાલે મંગળવારે મકરસંક્રાંતિ નિમિત્તે બેટ દ્વારકામાં ભક્તો, યાત્રાળુઓ માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જેનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો.
બેટ દ્વારકામાં હાલ દબાણ હટાવ ઝુંબેશ અંતિમ ચરણમાં હોવાનું છે. ત્યારે હવે આગામી દિવસોમાં કોરિડોર પ્રોજેક્ટ સહિતના વિકાસ કાર્યોને અનુલક્ષીને દ્વારકા શહેર વિસ્તારમાં પણ દબાણ હટાવ અંગેનું મેગા ઓપરેશન શરૂ થાય તો નવાઈ નહીં તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. હાલ આ સમગ્ર કાર્યવાહી ઐતિહાસિક અને રેકોર્ડ રૂપ બની રહી છે.(તસ્વીર:કુંજન રાડિયા)